મધ્ય પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. ભોપાલમાં આજે સાંજે છ વાગ્ય્યે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ત્યાર બાદ જ શપથગ્રહણ કાર્યક્રમ યોજાય તેમ માનવામાં આવે છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદે શિવરાજ્જ સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે આ યાદીમાં નરેન્દ્ર સિંહ તોમરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. પરંતુ શિવરાજ સિંહ પર મ્હોર લાગે તે લગભગ નક્કી છે.
કમલનાથના રાજીનામા પછી સીએમ પદની રેસમાં શિવરાજ સિંહ સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. તેઓ 2005થી 2018 સુધી સતત 13 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા છે. તેઓ ફરી સીએમ બનશે તો મધ્ય પ્રદેશના ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ ચોથી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. શિવરાજ સિવાય અત્યાર સુધી અર્જુન સિંહ અને શ્યામાચરણ શુક્લ ત્રણ-ત્રણ વાર સીએમ રહ્યા છે. આ વખતે શિવરાજની સાથે સાથે નરેન્દ્ર સિંહ તોમર અને નરોત્તમ મિશ્રાના નામની પણ ચર્ચા હતી. માનવામાં આવે છે કે, ભાજપ સીનિયર્સે શિવરાજના નામ પર મહોર લગાવી દીધી છે.
શિવરાજ સૌથી મોટા ગેઈનર
15 વર્ષ સુધી સત્તામાં રહેલી ભાજપ સરકાર જ્યારે ડિસેમ્બર 2018માં ચૂંટણી હારી ગઈ ત્યારે શિવરાજ સિંહ ચૌહાણના રાજકીય કરિયર સામે સવાલ ઉભા થયા હતા. શિવરાજને કેન્દ્રમાં મોકલવામાં આવશે તેવી આશંકા સેવવામાં આવી રહી હતી પરંતુ તેમણે મઘ્ય પ્રદેશમાં જ રહેવાની ઈચ્છા જણાવી હતી. શિવરાજ હાર્યા પછી પણ રાજ્યમાં સક્રિય રહ્યા હતા. શિવરાજ સિંહે આ વર્ષે જ જાન્યુઆરીમાં સિંધિયા સાથે મુલાકાત કરી હતી. જોકે ત્યારે તેમણે તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. મધ્ય પ્રદેશમાં તાજેતરમાં 17 દિવસ ચાલેલા રાજકીય ડ્રામામાં સૌથી વધારે ફાયદો શિવરાજ સિંહને જ થયો હતો.
ફ્લોર ટેસ્ટ
ભાજપ સરકાર બનાવશે તો તેમને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલવે સોંપીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારપછી તેમણે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. તેમાં તેઓ જીતી ગયા હતા. કર્ણાટકમાં પણ 2018ની વિધાનસભા ચૂંટણી પણ ત્રિશંકુ વિધાનસભા બની. રાજ્યપાલે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું અને યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. 6 દિવસ પછી યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ રાજીનામુ આપ્યું હતું. આ જ રીતે શિવરાજને પણ ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
6 જ મહિનામાં ચૂંટણી
મધ્ય પ્રદેશનીવિધાનસભામાં 230 સીટ છે. 2 ધારાસભ્યોના નિધન પછી 2 સીટ પહેલાથી ખાલી છે. તેવામાં સિંધિયા સમર્થક કોંગ્રેસના 22 ધારાસભ્યો બળવાખોર થઈ ગયા હતા. જેમના સ્પીકર એનપી પ્રજાપતિએ આ દરેકના રાજીનામા મંજૂર કરી દીધા છે. આમ, કુલ 24 સીટો અત્યારે ખાલી છે. અહીં 6 મહિનમાં ચૂંટણી થવાની છે.
પેટા ચૂંટણીમાં ભાજપે 9 સીટો જીતવી જ પડશે
ભાજપ પાસે 106 ધારાસભ્ય છે. 4 અપક્ષ તેમના સમર્થનમાં આવશે તો ભાજપ+ની સંખ્યા 110 થઈ જશે. 24 સીટો પર પેટાચૂંટણી થવાથી ભાજપને બહુમતી માટે વધુ 7 સીટોની જરૂર પડશે. જો અપક્ષે ભાજપનો સાથે ન આપ્યો તો પેટાચૂંટણીમાં પાર્ટીને ઓછામાં ઓછી 9 સીટ જીતવી પડશે.