ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વર્ષ 2022માં મિશન 182 લઈને આક્રમક જોવા મળી રહ્યા છે.અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ધડમૂળથી ફેરફાર કરી રહ્યા છે.તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પેજ પ્રમુખની રણનીતિ આક્રમક રીતે લાગુ કરી રહ્યા છે.અને આ કડીમાં હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવે પેજ પ્રમુખ બની ગયા છે.એટલું જ નહીં,પણ રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીને પણ પેજ પ્રમુખ બનાવાયા છે.સીએમ વિજય રૂપાણી અને તેમના પત્નીને રાજકોટમાં બૂથ નંબર 2 અને વોર્ડ નંબર 10માં પેજ પ્રમુખ બન્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.તેઓએ ટ્વીટ કરતાં લખ્યું કે,ગુજરાત રાજ્યનાં માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું કાર્ય પૂર્ણ કરી આપણને સૌને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
પેજ-પ્રમુખ એટલે શું?
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી.આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે.આ એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે,એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના 30 મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી,મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે,જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે.એટલું જ નહીં ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.
પાટીલનો 182 સીટોનો લક્ષ્યાંક
સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે તમેં મને પેજ જિતાડી આપો, હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભા બેઠકનો લક્ષ્યાંક રાખું છું. પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા,જિલ્લા તાલુકા પંચાયત અને 2022ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.
પાટીલ પોતે પણ પેજ પ્રમુખ
ઉલ્લેખનીય છે કે,ભાજપ પ્રમુખ સી આર પાટીલ મજૂરા વિધાનસભાના બૂથ 94ના એક પેજના પ્રમુખ બન્યા છે.મિશન 182ને સાકાર કરવા માટે તેમણે પેજ સમિતિઓ પર ભાર મૂક્યો.કાર્યકરોને તેમણે સમજાવ્યું કે, 5 સભ્યોની પેજ સમિતિ પોતાની સોસાયટી કે બિલ્ડીંગમાં રહેતા લોકોનું મતદાન કરાવીને પેજ જીતે તો વિધાનસભા બેઠક જીતવી આસાન બની જાય છે.આમ દરેક કાર્યકર પક્ષના ઉમેદવારને જીતાડવા મહેનત કરે તો તમામ 182 બેઠકો જીતી શકાય તેવા મિશન સાથે પાટીલ આગળ વધી રહ્યા છે.