ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં હજુય માહોલ જામતો નથી.નોંધનીય છે કે કોરોના ઉપરાંત મોંઘવારી સહિતની અનેકવિધ સમસ્યાઓને લીધે લોકોને જાણે ચૂંટણીમાં રસ જ નથી.જો કે,આ વખતે બિહારની ચૂંટણી હોવાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ગુજરાતની પેટાચૂંટણીમાં ઝાઝો રસ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ગુજરાતની પેટાચૂંટણીમાં ઝાઝો રસ નથી
બંને મહાનુભાવો બિહારની ચૂંટણીમાં વ્યસ્ત છે જેના કારણે પેટાચૂંટણીમાં પ્રચાર માટે આવે તેવી શક્યતા નહીવત છે ત્યારે મોદી-શાહની ગેરહાજરી વિના ભાજપના માથે પેટાચૂંટણી જીતવાની જવાબદારી આવી છે.ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીનો પ્રચાર જામતો નથી. ચૂંટણીનો માહોલ નિરસ બની રહ્યો છે.નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે જેના કારણે આ વખતે પેટાચૂંટણીમાં ભાજપ મોદી-શાહની ગેરહાજરી નડી રહી છે. મતદારોમાં આ વખતે મોદીમેઝિક વિના પ્રચાર કરવો અઘરો બન્યો છે.
ભાજપ માટે મુશ્કેલ પણ એ બન્યુ છેકે,મતદારો પર પ્રભાવ પાડી શકે તેવો ચહેરો નથી. રાજ્ય સરકારના મંત્રી-ભાજપના પ્રદેશ નેતાઓ સ્ટાર પ્રચારક બનીને ઘુમી રહ્યાં છે પણ તેમને સાંભળવામાં મતદારોને જરાય રસ નથી પરિણામે ભાજપની ખાટલા પરિષદ અને સભાઓમાં કાગડા ઉડી રહ્યાં છે.મહત્વની વાત તો એ છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે હોવા છતાંય વર્ચ્યુઅલ રેલી કરવાનું ટાળ્યુ હતું.શાહે પણ પેટાચૂંટણીના પ્રચારમાં જરાય રસ દાખવ્યો ન હતો.
વર્ચ્યુઅલ રેલી કરવાનું ટાળ્યુ
ભાજપે અમિત શાહની વર્ચ્યુઅલ રેલી માટે આયોજન ઘડયુ હતુ પણ મેળ પડયો નહીં.આમ,ભાજપ પેટાચૂંટણીના પ્રચારમાં દ્વિધા અનુભવી રહ્યુ છે.અત્યારે ભાજપે મંત્રીઓ સહિત કુલ 30 નેતાઓને પ્રચારની જવાબદારી સોંપી છે પણ ચૂંટણીનો માહોલ નિરસ રહેતાં ભાજપની ચિંતા વધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહના ફોટા સાથેના પ્રચાર સાહિત્યનો ઉપયોગ કરી ભાજપ મતદારોને રિઝવવા મથામણ કરી રહ્યુ છે.
પાટીલે ઘેર ઘેર જઇને મતદારોનો સંપર્ક કરવા સૂચના આપી
પેટાચૂંટણીનો માહોલ જામતો નથી અને મતદારો નિરસ છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને ઘેર ઘેર જઇને મતદારોનો સંપર્ક કરવા સૂચના આપી છે.ખાસ કરીને મહિલા મોરચાને આ જવાબદારી સોપવામાં આવી છે.કાર્યકરોને ખાસ કહેવાયુ છે કે, કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરવામાં આવે.રાજ્ય સરકારે લીધેલાં પ્રજાલક્ષી નિર્ણય વિશે મતદારોને જાણકારી આપવામાં આવે.આ બધીય માહિતી થકી મતદારોન માહિતગાર કરવા કાર્યકરોને પ્રચાર સાહિત્ય સાથે ચૂંટણી કામે લગાડાયાં છે.