– આ વાત બધાએ ધ્યાનમાં રાખવાની છે : ડેબિટ કાર્ડ બ્લૉક થવાના એસએમએસમાં આપેલી લિન્ક પર પોતાની માહિતી અપડેટ કરવા જતાં મલાડના ગુજરાતી વેપારીના અકાઉન્ટમાંથી ૭.૫૦ લાખ ઊપડી ગયા
મુંબઈ : મલાડમાં રહેતા એક ગુજરાતી વેપારીને ડેબિટ કાર્ડ બ્લૉક થવાનો એસએમએસ આવ્યો હતો.એમાં એક લિન્ક હતી જેના પર ક્લિક કરીને પૅન કાર્ડ અને તમામ માહિતી અપડેટ કરવા જતાં ગણતરીની મિનિટોમાં તેના અકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં સાડાસાત લાખ રૂપિયા ઊપડી ગયા હતા.એ પછી પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં વેપારીએ તરત મલાડ પોલીસ-સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
મલાડમાં શંકર લેન વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના વિનય શાહે કરેલી ફરિયાદ અનુસાર ૨૭ ડિસેમ્બરે રાતે નવ વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે તેમને એક એસએમએસ આવ્યો હતો,જેમાં લખ્યું હતું કે બૅન્ક તરફથી ડેબિટ કાર્ડ બ્લૉક કરવામાં આવ્યું છે અને એને ચાલુ રાખવા માટે આવેલી લિન્ક પર ક્લિક કરો.એ પછી વિનયભાઈએ આપેલી લિન્ક પર ક્લિક કરીને એમાં પૅન કાર્ડની માહિતી,જન્મતારીખ અને ડેબિટ કાર્ડ સંબંધી માહિતીઓ ભરી હતી.એ ભરતાં જ આશરે ૧૦થી ૧૫ મિનિટની અંદર દરેક ટ્રાન્ઝૅક્શનમાં અઢી લાખ રૂપિયા એમ કુલ ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં સાડાસાત લાખ રૂપિયા કપાયા હોવાનો મેસેજ તેમને મળ્યો થયો હતો.પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે તરત આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
વધુ માહિતી મેળવવા મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડનેનો સંપર્ક કરતાં તેમણે ફોન અને મેસેજનો કોઈ રિસ્પૉન્સ આપ્યો નહોતો.જોકે અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદીએ આવેલી લિન્ક પર પોતાની તમામ માહિતી ભરી હતી,જેના પરથી સાઇબર ગઠિયાએ ફરિયાદીના અકાઉન્ટનું ઍક્સેસ મેળવીને પૈસા ઉપાડી લીધા હતા.છેતરપિંડીમાં ગયેલા પૈસાને રિકવર કરવા માટે અમે જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એની માહિતી મેળવીને એને બ્લૉક કરવાની કોશિશ કરી રહ્યા છીએ.


