ગુજરાતમાં કોરોના વાયરસે સ્પીડ પકડી લીધી છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદમાં કોટ વિસ્તાર માટે હાલ એક ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. અમદાવાદમાં હાલ 13 પોઝિટીવ કેસોમાંથી છેલ્લા 5 પોઝિટિવ કેસ કોટ વિસ્તારમાં સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારની વાત કરીએ તો, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા અને લાલદરવાજામાં 5 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. બીજી બાજુ તંત્રને સહકાર આપવા લોકોને ‘સંદેશ ન્યુઝ’એ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કુલ આંક 29 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે.
અમદાવાદના મેયરે પણ જાહેર જનતા માટે એક સંદેશો મોકલ્યો છે. તેમણે જણાવ્યું કે, આપણે રવિવારે જનતા કર્ફ્યૂમાં સારું યોગદાન આપ્યું છે, તેના બદલ તેમને અમદાવાદીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, 22 માર્ચની જેમ આગામી સમયમાં સંપૂર્ણ બંધ રાખવા મેયર બિજલ પટેલની અપીલ કરી છે.
કોર્પોરેશનની આવશ્યક સેવા સિવાય તમામ સેવાઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, બહેનો ઈચ્છે તો કોરોના સામે ચોક્કસ જીતી શકીએ. બહેનો ઘરે રહીને પરિવારને ઘરમાં રાખે. વડીલો બહાર ન નીકળીને ઘરમાં રહે. લોકો ઘરમાં રહે તો કોરોના આપણા ઘરમાં પ્રવેશેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કહેરની વચ્ચે શહેરીજનો રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 25 માર્ચ સુધી અમદાવાદ સહિતના છ મહાનગરોને લોકડાઉન જાહેર કર્યા પછી પણ શહેરીજનો શહેરના માર્ગો પર ફરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આ લોકોને સમજાવીની બહાર ન નીકળવા માટે અને જો લોકો ન સમજે તો કડક કાર્યવાહી કરવા માટે શહેરમાં પોલીસ ફોર્સ ઉતારવાની વાત કરવામાં આવી છે.