પોતાની લશ્કરી તાકાતથી આખી દુનિયાને ધ્રુજાવનાર અ્મેરિકન નૌસેનામાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચુકી છે.જેનાથી ગભરાટનો માહોલ છે. અમેરિકાના સૌથી મોટા વિમાન વાહક યુધ્ધ જહાજ પૈકીના એક થિયોડોર રુઝવેલ્ટ પર ફરજ બજાવતા 550 જેટલા નૌસૈનિકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
અમેરિકન નૌસેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, જહાજ પર ફરજ બજાવતા 4800 પૈકીના 92 ટકા સભ્યોની તપાસ થઈ છે.જેમાંથી 550 સૈનિકો કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.બાકીના લોકોને ચેપ લાગ્યો નથી.તેમને ગુઆમ(જ્યાં હાલમાં યુધ્ધ જહાજ રોકાયુ છે)માં ઉપલબ્ધ બેરેક અને હોટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
યુધ્ધ જહાજના કેપ્ટન બ્રેટ ક્રોઝિયરે પત્ર લખીને જહાજમાં ચેપ ફેલાવાના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ અંગે જાણકારી આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે, અમેરિકાનુ સંરક્ષણ ખાતુ એટલે કે પેન્ટાગોન આ વાત પર ધ્યાન આપી રહ્યુ નથી.આ પત્ર મીડિયામાં લીક થઈ ગયા બાદ વધારે ઉહાપોહ થયો હતો. ક્રોઝિયરને એ પછી પદ પરથી હટાવી દેવાયા હતા.દરમિયાન અમેરિકામાં આ મુદ્દે વિરોધ વંટોળ ઉભો થયા નૌસેના ચીફે પણ રાજીનામુ આપવુ પડ્યુ છે.