શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી અને કોરોના સામે જંગ લડતી યુવતીએ પોતાની આપવીતી સોશિયલ મીડિયામાં જાહેર કરી છે. યુવતીએ જણાવ્યું છે કે, માર્ચની શરૂઆતમાં ફિનલેન્ડ જવા માટે ટિકિટ બૂક કરાવી હતી અને આખરે ફિનલેન્ડ પહાંચી હતી.
મહત્ત્વની વાત એ છે કે, આ યુવતી કોરોનાની સ્થિતિથી વાકેફ હતી અને ૧૫ જાન્યુઆરીથી નિરંતર આ અંગેની જાણકારી મેળવતી હતી. જેથી ફિનલેન્ડના પ્રવાસ વખતે તેણે સતત ગ્દ-૯૯ માસ્ક પહેરી રાખ્યું હતું. વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં તેની બેઠક વ્યવસ્થાને પણ સેનિટાઇઝ કર્યાં હતા.
વધુમાં તેણે જણાવ્યું છે કે, ફ્લાઇટમાં તે એકમાત્ર એવી યુવતી હતી કે જેણે માસ્ક પહેર્યું હતું. જમવા, પાણી પીવા, સિક્યોરિટી ચેક સિવાય મોટાભાગનો સમય સતત માસ્ક પહેરેલું જ રાખ્યું હતું. તેમ છતાં આજે તે કોરોના વાઇરસનો ભોગ બની છે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, ભારત પરત આવ્યાં બાદ આ યુવતીએ પોતાના પરિવારના સભ્યોને ભેટવાનું ટાળ્યું હતું તથા તેનો તમામ સામાન અન્ય રૂમમાં મૂકી દીધો હતો. આખરે ૧૪મી માર્ચના રોજ સામાન્ય તાવની અસર જણાતા તે જાતે જ એક રૂમમાં આઇસોલેટેડ થઈ ગઈ હતી.
બાદમાં ફેમિલી ડોક્ટરે આ યુવતીને તપાસ માટે ક્લિનિક બોલાવી, ત્યાં પણ તે એકલી જ ગઈ. માસ્ક પહેરી રાખ્યું અને બીજા પેશન્ટ્સથી દૂર બેઠી હતી. ત્યાં ઇન્ફેક્શનની દવા લઈને ઘરે આવી, પરંતુ સતત બે દિવસ સુધી તાવ આવતો રહ્યો હતો. આખરે તેની બહેનની મદદથી આ યુવતીએ એસવીપી હોસ્પિટલના એક ડોક્ટરનો સંપર્ક કર્યો અને ૧૬મી માર્ચના રોજ શરદીનું પ્રમાણ વધતા એસવીપી હોસ્પિટલમાં પહોંચી હતી.