– આ અગાઉ ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પોલીસ પર હુમલો થયો હતો
ઔરંગાબાદ,
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બિદકિન ગામમાં એક મસ્જિદમાં નમાઝ પઢવા માટે લોકોને જમા નહીં થવા દેવા માટેની સૂચના મળી હોવાથી પોલીસે કેટલાક લોકોને મસ્જિદ જતા અટકાવ્યા હતા.જ્યારબાદ તેઓએ પોલીસની એક ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઘટના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસની છે.આ ઘટનામાં એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા પહોંચી છે.
પથ્થરમારાની ઘટનાની પુષ્ટિ કરતા જિલ્લાના પોલીસ અધિક્ષક મોક્ષદા પાટિલે જણાવ્યું કે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.બિદકિન પોલીસને માહિતી મળી હતી કે એક મસ્જિદમાં 35-40 લોકો નમાઝ પઢવા માટે જમા થયા છે.જ્યારે પોલીસની એક ટીમ આ મામલે તપાસ કરવા પહોંચી અને તેમને જમા નહીં થવા માટે સમજાવવા લાગ્યા એવામાં જ તેમના પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.આ કેસમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિને પરવાનગી આપવામાં નથી આવી. તેમ છતા પણ કેટલીક જગ્યાઓએ મસ્જિદોમાં નમાઝ પઢવા માટે લોકોને રોકવામાં આવતા પોલીસ પર હુમલો થતો હોવાની માહિતી મળી રહી છે.ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જુમ્માની નમાઝ માટે જમા થયેલી ભીડે જવાનો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે બેકાબુ થયેલી ભીડને મહામુશ્કેલીથી વેરવિખેર કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ કરવાના ગુનામાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
ઝારખંડમાં પણ ઠાકુર ગંગડીની માલ મંડરો પંચાયતના રહરવારિયાગામની મસ્જિદમાં જુમ્માની સામૂહિક નમાઝમાં જમા થયેલા લોકોને રોકવા માટે ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.જોકે, દેશની મોટા ભાગની મસ્જિદોમાં લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે અને લોકો પોતાના ઘરે જ નમાઝ પઢવાનું પસંદ કરી રહ્યા છે.