વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોનો આંક ભારતમાં 5 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના પગલે આરોગ્ય વિભાગ સર્તક થઈ ગયું છે. રાજ્યના કેટલાક શહેરોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડ વાડી જગ્યા પર નહીં જવાની અને માસ્ક પહેરવાની સુચાનાંઓ આપવામાં આવી છે. કોરોના વાયરસના પગલે લોકોને એકઠા થવાની મનાઈ હોવાથી ચૂંટણીપંચ દ્વારા નોટીફીકેશન બહાર પાડીને આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર રાજ્યમાં 22મી માર્ચના રોજ રાજ્યની 17 નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી યોજવાની હતી. અલગ-અલગ પાર્ટીઓ દ્વારા પેટા-ચૂંટણીને લઇને પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ સામે આવતા રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આ 22 માર્ચના રોજ યોજાનારી પેટા-ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે એકઠા થતા હોય છે ત્યારે કોરોના વાયરસના કારણે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇને રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને આરોગ્યને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને 29 માર્ચ સુધીમાં વેકેશન આપવામાં આવ્યું છે, મોલ, મલ્ટીપ્લેક્સ, ગાર્ડન અને તમામ પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.