મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 15 કેસ નોંધાતા ફફડાટ
એજન્સી, નવી દિલ્હી
ચીનના વુહાનમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસે અત્યાર સુધીમાં દુનિયાભરના 200થી વધુ દેશોને પોતાના લપેટમાં લઈ લીધા છે. હજી સુધી વિશ્વના એક પણ દેશમાં કોરોના વાયરસને રોકવા માટેની કોઈ જ દવા શોધી શકાઈ નથી. એવામાં દિવસે ને દિવસે ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. તાજેતરમાં જ ગ્રેટર નોઈડામાં કોરોનાના વધુ બે નવા કેસ નોંધાયા છે. બંને દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ડીએમ બીએન સિંહે સોસાયટીને 25 માર્ચ સુધી સીલ કરી દીધી છે. આ સાથે જ દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 429 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં આવેલા લોકોમાંથી અત્યાર સુધીમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે, જ્યારે 30 જેટલા લોકો આ વાયરસમાંથી મુક્ત થઈને પોતાના ઘરે છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસ નોંધાયા છે. જેમાં 14 મુંબઈના અને એક પૂણેમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ વધીને 89 થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે ત્રીજા વ્યક્તિનું મોત નિપજ્યું છે.
મૃતક ફિલિપાઈન્સનો રહેવાસી હતો જેણ રવિવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પહેલા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બાદમાં ફરીથી તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તેની કિડની ફેલ થઈ જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે વિશ્વના 35 જેટલા દેશોમાં લોકડાઉનનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારતમાં પણ રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવાયા છે.અનેક સ્થળો પર લોકડાઉનનો ભંગ કરવાની સૂચનાઓ મળી રહી છે. કેન્દ્ર સરકારે સોમવારના રોજ રાજ્યોને પત્ર લખીને લોકડાઉનનું ચુસ્ત પણ પાલન કરવા માટેની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે જે રાજ્યોમાં લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે તેનું કડક રીતે પાલન કરવામાં આવે. લોકડાઉનનો ભંગ કરનારાઓ પર કાયદાકીય પગલા લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.