દુનિયાભરમાં કોહરામ મચાવનારા કોરોના વાયરસની ઝપટમાં હવે ધીમે ધીમે ભારત પણ ફસાતુ જઈ રહ્યું છે. ગઈ કાલે મંગળવારે એક જ દિવસમાં કોવિડ-19ના 315 કેસ સામે આવ્યા હતાં. પહેલીવાર એવુ થયું છે કે, દેશમાં એક જ દિવસમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 300ને પાર કરી ગઈ છે.
સોમવારની સરખામણીમાં આ આંકડો લગભગ બે ઘણો વધારે હતો. હવે દેશમાં કોરોના વાયરસ પીડિતોની કુલ સંખ્યા 1618 થઈ ગઈ છે અને તેના કારણે મૃતાંક પણ વધીને 52 થઈ ગયો છે.
ગત ત્રણ દિવસમાં 626 નવા કેસ સામે આવ્યા હતાં. જેમાં હવે અધધ 40 ટકાનો વધારો થયો છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવ્યા હતાં જ્યાં 302 લોકો કોરોનાની ઝપટમાં છે. જ્યારે બીજા સ્થાને કેરળ (241), ત્રીજા નંબરે તમિળનાડુ (124) અને ચોથા સ્થાને દેશની રાજધાની દિલ્હી (120) છે.
ઝારખંડ અને અસમમાં કોરોના વાયરસની અસર નહોત્તી દેખાઈ પણ હવે તેમાં પણ એક એક કેસ સામે આવ્યા છે. ઝારખંદની રાજધાની રાંચીમાં મલેશિયાની એક 22 વર્ષની યુવતીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે, જે રાંચીમાં બડી મસ્જિદમાં રોકાઈ હતી. આ મહિલા પણ તબલીગી જમાત સંગઠનનો જ ભાગ હતી અને ત્યાંથી રાંચી પહોંચી હતી.
જ્યારે અસમની સિલ્વર મેડિકલ કોલેજમાં એક 52 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તે કેંસરનો દર્દી છે અને તાજેતરમાં જ દિલ્હીથી પાછો ફર્યો હતો. અસમ પ્રસાસને આ વ્યક્તિએ પણ દિલ્હીની તબલીગી જમાતમાં ભાગ લીધો હોવાનો શક છે.
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની બિમારીના બે મોટા હોટ સ્પોટ બની ગયા છે. તે છે નિઝામુદ્દીન અને દિલશાન ગાર્ડન. મંગળવારે જ અહીં 23 નવા કેસ સામે આવ્યા હતાં, જેનાથી કોવિડ-19 પીડિતોની સંખ્યા 120 પહોંચી ગઈ છે. જોકે આ આંકડામાં હાલ નિઝામુદ્દીન મસ્જિદમાંથી બહાર લઈ જવામાં આવેલા લોકોમાં એક પણ નવો કેસ ઉમેરાયો નથી કારણ કે સરકારે દાવો કર્યો છે કે, આ લોકોના રિપોર્ટ આવવાનો હજી બાકી છે. આમ એક રીતે કહી શકાય કે તબલીગી જમાત કાર્યક્રમ બાદ જ દેશમાં કોરોના વાયસરના પીડિતોની સંખ્યા કુદકે અને ભુસકે વધવા લાગી છે.