(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨ : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે.તેમના કાર્યકાળમાં વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પણ યોજાશે.તેઓ ૧૫ મેના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળશે.૧૪ મેના રોજ હાલના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા નિવૃત્ત થશે તેમ કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
૧૯ ફેબુ્રઆરી, ૧૯૬૦ના રોજ જન્મેલા રાજીવકુમાર ૬૫ વર્ષની ઉંમરે ફેબુ્રઆરી, ૨૦૨૫માં મુખ્ય ચૂંટણી કમિશરનાપદેથી નિવૃત્ત થશે.હાલના નિયમ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર ૬૫ વર્ષની ઉંમર સુધી અથવા મહત્તમ છ વર્ષ સુધી આ પદ પર ચાલુ રહી શકે છે.રાજીવકુમાર ૧૯૮૪ બેન્ચના બિહાર કેડરના આઇએએસ અધિકારી છે.ત્રણ લાખથી વધુ શેલ કંપનીઓ પકડી પાડીને રાજીવ કુમાર ચર્ચામાં આવ્યા હતાં. તેમણે બેકિંગ સેવા ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતાં.
તેમણે નકલી ઇક્વિટી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ૩.૩૮ લાખ શેલ કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતાં.રાજીવ કુમારે આરબીઆઇ, એસબીઆઇ, નાબાર્ડના કેન્દ્રીય બોર્ડમાં ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કર્યુ છે.ચૂંટણી કમિશનર અશોક લવાસાના રાજીનામા પછી એક સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ રાજીવકુમારની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.