ભરૂચ,તા.૨૬
જંબુસર તાલુકાના કાવી ગામમાં પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. ઝેરી દવા પી લેતા પરીણિત પ્રેમીનું મોત થયું છે. જોકે પ્રેમિકાને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કાવી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં નરેશ બાબુભાઇ રાઠોડ(૨૮) પત્ની અને ૩ બાળકો સાથે રહેતો હતો. નરેશને ગામમાં જ રહેતી હંસાબેન રોહિત સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેના લગ્ન નહીં થાય તેવા ડરથી બંનેએ જીવન ટુંકાવી દેવાનું નક્કી કર્યું હતું. જેથી કાવી ગામના તળાવની પાછળ આવેલા કપાસના ખેતરમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં પ્રેમીનું સ્થળ પર જ મોત થયું હતું જોકે પ્રેમિકા હંસાબેન દોડીને ગામ પાસે પહોંચી ગયા હતા. જેથી તેઓને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી ઝેરી દવાની બે બોટલ મળી આવી હતી. પોલીસે પ્રેમિકાનું નિવેદન લેવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
પ્રેમી-પંખીડાઓએ ઝેરી દવા ગટગટાવી… પરીણિત પ્રેમીનું મોત
Leave a Comment