। પેરિસ ।
ફ્રાંસમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ૪૦ હજારને પાર કરી ગઇ છે. ફ્રાંસ સરકારને મોડે મોડે ખ્યાલ આવ્યો કે યુરોપ સહિતના અનેક સ્થળે ફેલાયેલા કોરોના માટે તેની ભૂમિ પર યોજાયેલું એક ચર્ચનું વાર્ષિક સંમેલન કારણભૂત છે. એ વાર્ષિક સંમેલનમાં આવેલા શ્રદ્ધાળુઓ કોરોના માટે ટાઇમ બોમ્બ સમાન બની રહ્યા. ૧૮મી ફેબ્રુઆરીએ સુપરચર્ચ ક્રિૃયન ઓપન ડોરમાં માસનું આયોજન કરાયું હતું. એક અઠવાડિયું ચાલેલા આ વાર્ષિક ધાર્મિક સંમેલનમાં સામેલ થવા માટે સેંકડો લોકો મ્યૂલહાઉસ પહોંચ્યા હતા. મ્યૂલહાઉસ ફ્રાંસની સરહદને જર્મની અને સ્વીટર્ઝલેન્ડ સાથે જોડે છે. આ વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં કોઇ વ્યક્તિ કોરોના પોઝિટિવ હતું .સ્થાનિક સરકારનું કહેવું છે કે આ પ્રેયર મીટીંગ ફ્રાન્સમાં કોવિડ ૧૯ના પ્રસારનું સૌથી મોટું કેન્દ્ર સાબિત થઇ હતી. ૨૫૦૦ પોઝિટિવ કેસોની કડી અહીં જ જોડાય છે. અહીંથી સંક્રમિત થયેલા લોકો વાઇરસ લઇને પશ્ચિમી આફ્રિકન દેશ ગુયાના, સ્વિટઝર્લેન્ડ, ફ્રાન્સના ન્યૂક્લિયર પ્લાન્ટ અને યુરોપના સૌથી મોટા ઓટોમેકર વર્કશોપ સુધી પહોંચ્યા હતા.
૨૯મી ફેબ્રુઆરીએ ચર્ચ સાથે જોડાયેલા પહેલો કેસ નોંધાયો ત્યારે સ્વાસ્થ્ય અધિકારીઓએ એ તમામ લોકોનો પત્તો લગાવ્યો, જે એ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ચર્ચે એક યાદી આપી હતી અને તેના આધારે લોકોનો સંપર્ક કરાયો હતો. સૌથી પહેલા સંમેલન દરમિયાન બાળકોની સેવામાં કાર્યરત સ્ટાફનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમાં મોડું થઇ ગયું હતું. ચર્ચનો કેટલોક સ્ટાફ ત્યાં સુઘીમાં બીમાર થઇ ગયો હતો.
સંમેલનમાં ભાગ લેનારાઓમાંથી ૧૭ના કોરોનાને કારણે થયાં હતાં મોત
ચર્ચના અધિકારીઓનું કહેવું છે કે, સંમેલનમાં સામેલ ૧૭ લોકોની કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે ચર્ચમાં માસનું આયોજન કરાયું હતું, ત્યાં સુધી ફ્રાંસમાં કોઇ પ્રકારના તકેદારીના પગલાં ભરાયા ન હતા.