પર્થ,તા.૨૩
વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રભાવશાળી જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારત આઈસીસી મહિલા ટી૨૦ વિશ્વકપમાં સોમવારે અહીં પોતાની બીજી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશ વિરુદ્ધ તેનું લક્ષ્ય વિજયી અભિયાન જારી રાખવા પર હશે.
લેગ સ્પિનર પૂનમ યાદવના શાનદાર સ્પેલની મદદથી ભારતે શુક્રવારે ટૂર્નામેન્ટની શરૂઆતી મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી હરાવી ચોંકાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા છતાં હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ બાંગ્લાદેશને ઓછી આંકી શકે નહીં.
ભારતીય ટીમને તે બરાબર યાદ હશે કે તેણે પોતાના આ વિરોધીથી ૨૦૧૮માં ટી૨૦ એશિયા કપમાં બે વખત હારનો સામનો કરવો પડયો હતો. જેમિમા રોડ્રિગ્સ અને પ્રથમ મેચમાં ૧૫ બોલ પર ૨૯ રન ફટકારનારી ૧૬ વર્ષીય ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા એશિયા કપ ટીમનો ભાગ નહતી.
પરંતુ જો ભારતે બાંગ્લાદેશને પરાજય આપવો છે તો ટોપ ક્રમમાં આ બંન્નેની ભૂમિકા મહત્વની હશે. આ બંન્ને ટીમો વચ્ચે છેલ્લી પાંચ મેચમાં ભારતે ત્રણ અને બાંગ્લાદેશે બે મેચ જીતી છે. ભારત જો સોમવારે જીત મેળવે છે તો તે પાંચ ટીમોના ગ્રુપમાં નોકઆઉટની નજીક પહોંચી જશે.
ભારતે પરંતુ પોતાની બેટિંગમાં સુધાર કરવો પડશે કારણ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટ્સમેન અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યાં નહતા અને ટીમ ઈન્ડિયા માત્ર ૧૩૨ રન બનાવી શકી હતી. વિશ્વકપ પહેલા ત્રિકોણીય સિરીઝમાં ભારતીય બેટ્સમેન નિયમિત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ભારતીય ટીમ સતત મોટો સ્કોર બનાવવામાં સંઘર્ષ કરતી જોવા મળી છે.
મહિલા વર્લ્ડ કપઃ આજે પર્થમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ની ટક્કર
Leave a Comment