મુંબઈ : વિશ્વમાં જાગૃકતા લાવવાના હેતુથી ૨૨ મેના રોજ ઈન્ટરનેશનલ બાયોડાયવર્સિટી દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે સદા વિકસી રહેલા શહેર મુંબઈમાં પણ તેની બાયોડાયવર્સિટી જાળવવા અને સુરક્ષિત રાખવા પગલા લેવાઈ રહ્યા છે.પાલિકાના બગીચા વિભાગના ચીફ જીતેન્દ્ર પરદેશીએ જણાવ્યું છે કે શહેરના તમામ ૨૪ વોર્ડમાં એવા વિવિધ પાર્ક અને નર્સરીઓ છે જ્યાં મહેકતા બગીચા,પામ બગીચા,ગુલાબના બગીચા,મિયાવાકી પ્રકારના બગીચા છે જેમાં વૃક્ષોની દુર્લભ પ્રજાતિઓ જાળવવામાં અને ઉગાડવામાં આવે છે.તેમણે કહ્યું કે આ પગલાને પરિણામે મુંબઈ જેવા વ્યસ્ત અને વિકસતા શહેરમાં પણ સહેલાઈથી જૈવવિવિધતા દેખાય છે.વિવિધ પ્રકારના પતંગિયા,જીવડા અને અનેક પ્રકારના પક્ષીઓ શહેરના કોઈપણ બગીચામાં જોઈ શકાય છે.પરદેશીએ વધુમાં જણાવ્યું કે પાલિકા દ્વારા અમલમાં મુકાતા મિયાવાકી પ્રકારના શહેરી વનીકરણને કારણે મુંબઈમાં બાયોડાયવર્સિટી જળવાઈ રહી છે અને ૬૪ સ્થળોએ લગભગ ૪ લાખ દેશી વૃક્ષોની પ્રજાતિ રોપવામાં આવી છે.આ મિયાવાકી વનને કારણે વિવિધ પ્રકારના પક્ષીઓ, જીવડાઓ અને સરિસૃપો શહેરમાં મુક્તપણે વિચરી રહ્યા છે.શહેરના પર્યાવરણવાદીઓએ પણ જણાવ્યું કે આપણા શહેરના હરિયાળા પ્રદેશ તરીકે આપણને આરે મળ્યું છે તેના માટે કુદરતનો આભાર માનવો જોઈએ. વિશ્વના કોઈપણ શહેરની મધ્યમાં આવો વિશાળ વન્ય પ્રદેશ નથી.આપણે જ્યારે આરેમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે તાપમાનમાં અનુભવાતા ફેરફારથી આપણને બાયોડાયવર્સિટીની મહત્તાનો અહેસાસ થાય છે.શહેરના અન્ય વિસ્તારની સરખામણીએ અહીં ૪ ડીગ્રી તાપમાન ઓછું હોય છે.
એક કાર્યકરે જણાવ્યું કે આપણે આપણા વૃક્ષો અને પ્રાણીઓને માત્ર તેમના માટે જ નહિ પણ આપણા માટે પણ જાળવી રાખવાની જરૃર છે.આપણે જો તેમનું સંરક્ષણ અને જાળવણી નહિ કરીએ તો આપણું જ અસ્તિત્વ જોખમમાં મુકાશે.