ગાંધીનગર : રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલા જળાશયોમાં ૧૧મી જુલાઈના સોમવાર સુધીમાં તેની કુલ જળ-સંગ્રહશક્તિના ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહશક્તિના ૪૫.૩૭ ટકા છે.રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.આમ છતાં,ઉત્તર ગુજરાતના ડેમો ખાલીખમ છે,ત્યાનાં ડેમોમાં માત્ર ૧૪ ટકા પાણી ભરાયું છે અને એમાંથી વાપરી શકાય તેવું પાણીનો લાઈવ જથ્થો તો માંડ ૮ ટકા જેટલો જ છે.રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે ૧૧ ડેમોમાં ૧૦૦ ટકાથી વધુ,૨ ડેમોમાં ૯૦થી ૧૦૦ ટકા જળસંગ્રહ થયો છે.
આમ,રાજ્યમાં કુલ કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર મૂકાયા છે.જ્યારે ૮૦થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ ઉપર તથા ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ,૧૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા,૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા(સરદાર સરોવર સહિત),૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.જેમાં ઉત્તર ગુજરાતના ૧૫,મધ્ય ગુજરાતના ૧૭,દક્ષિણ ગુજરાતના ૧૩,કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.