કોરોના પર મે સુધીમાં કાબુ નહીં મેળવાય તો કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ જુલાઈથી શરૂ થશે : ક્રિસીલ
મુંબઈ,
ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે સોમવારે કહ્યું હતું કે જો કોરોના વાયરસની સમસ્યા પર મે મહિના સુધીમાં કાબુ નહીં મેળવી શકાય તો ચાલુ નાણાકીય વર્ષમાં સિમેન્ટની માંગ 20-25 ટકા સુધી ઘટી જશે. ક્રિસિલના મતે કોરોના વાયરસ પર જો મે મહિના સુધીમાં કાબુ નહીં મેળવી શકાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ જૂન સુધી રહેશે અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જુલાઈથી શરૂ થાય તેવી શક્યતા છે. આવા સંજોગોમાં સિમેન્ટની માંગમાં અસાધારણ એવો 20-25 ટકાનો ઘટાડો થઈ શકે છે.
જોકે આ સાથે તેણે કહ્યું હતું કે જો લોકડાઉન અને અન્ય સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં એપ્રિલના અંત સુધી જ રહે અને કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ 15 મે સુધીમાં શરૂ થઈ જશે તો સિમેન્ટની માંગમાં ચાલુ વર્ષે 10-15 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. મતલબ કે આ સારામાં સારી સ્થિતિ રહેશે. ક્રિસિલે કહ્યું કે ભારતનો આર્થિક વૃદ્ધિદર ધીમો પડી ગયો હતો અને તેમાં હવે સાધારણ કવરીની તૈયારી હતી, ત્યાં જ કોરોનાનો કાળસમાન લાંબો પડછાયો તેના પર પડ્યો જેને કારણે સ્થિતિ વણસી છે. તેના મતે સિમેન્ટની વૈશ્વિક માંગ પણ નબળી રહેશે. સપ્લાય ડિસરપ્શન, વિદેશોમાં લોકડાઉન, ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ, લોકોની ખરીદશક્તિમાં ઘટાડો, વગેરે પરિબળોની કન્સ્ટ્રક્શન સેક્ટર પર અસર થશે અને તેને કારણે સિમેન્ટની માંગ ઘટશે. ક્રિસિલના જણાવ્યા અનુસાર ત્રિમાસિક ધોરણે સિમેન્ટની માંગ પ્રથમ ક્વાર્ટરમાં(એપ્રિલથી જૂન 2020) ધોવાઈ જશે કારણ કે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને આકરા નિયંત્રણો છે, જેને કારણે કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે. જુલાઈથી માંગ જોવા મળશે.
હાલમાં સરકારનું ફંડ પણ મોટાભાગના હેલ્થ અને પબ્લિક વેલફેરમાં ડાઈવર્ટ થઈ રહ્યું છે, આથી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પર તેનો ખર્ચ ઘટી જશે તેવી શક્યતા છે. સિમેન્ટની કુલ માંગમાં 35-40 ટકા માંગ સરકારી પ્રોજેક્ટ્સમાંથી હોય છે. આથી આ માંગ નોંધપાત્ર ઘટી જશે.આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સ્થિતિ વધારે ખરાબ થશે તેવી શક્યતા છે. આથી આ સેક્ટરમાં પણ સિમેન્ટની માંગ જલદીથી નહીં વધે. જોકે તેમ છતાં ગ્રામીણ ક્ષેત્રમાં હાઉસિંગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, તથા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં માંગ રહેશે અને ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળામાં આ તમામ જ સિમેન્ટ સેક્ટરને બચાવશે.
સિમેન્ટની માંગ જ ઘટી ગઈ હોવાથી સિમેન્ટ કંપનીઓની કેપેસિટી યુટિલાઈઝેશન પણ મોટાપાયે ઘટી જશે અને 56-58 ટકા રહેવાની ધારણા છે. વળી, નવી ઉત્પાદન ક્ષમતા વધી છે તેની સમસ્યા રહેશે. ચાલુ વર્ષે માંગ કરતાં સપ્લાયે 2.7 કરોડ ટન વધારે રહેવાની ધારણા છે.છેલ્લાં બે વર્ષમાં ચૂંટણીલક્ષી માહોલને કારણે સિમેન્ટની માંગમાં સારી એવી વૃદ્ધિ થઈહતી અને તેને કારણે કેપેસિટી યુટિલાઈઝેશન 8 ટકા જેવું વધીને 70 ટકા થઈ ગયું હતું. તે જોઈને ઘણી સિમેન્ટ કંપનીઓએ નવી ઉત્પાદન ક્ષમતા વધારવા માંડી હતી. વળી, સિમેન્ટ કંપનીઓએ બજારહિસ્સો જાળવી રાખવા માટે કેટલાક નવા માર્કેટમાં પણ પ્રવેશ કર્યો હતો. પરંતુ હવે કોરોનાને કારણે માંગ ઘટી જતા આ વધારાની ઉત્પાદન ક્ષમતા મુશ્કેલી વધારશે.ક્રિસિલે કહ્યું હતું કે માંગ નરમ હોવા છતાં સિમેન્ટ ઈન્ડસ્ટ્રીએ ગત વર્ષે બેગ દીઠ રૂ.25નો વધારો કર્યો હતો, જે નોંધપાત્ર છે. બીજી તરફ વીતેલા વર્ષમાં રો મટીરિયલના ભાવમાં ઘટાડાને કારણે કંપનીઓના માર્જિન 2019-20માં સારા રહેવાની ધારણા છે. નવા નાણાકીય વર્ષ 2020-21માં ભાવ ઘટાડવા પડે તેવી સ્થિતિ સર્જાશે. જોકે તેમ છતાં આ ઘટાડો 1-2 ટકા જેવો મર્યાદિત રહેશે એટલે કે બેગદીઠ રૂ.5-10નો હોઈ શકે છે. તેમ છતાં રિયલાઈઝેશન 2-3 ટકા ઘટે તેવી શક્યતા છે.