– સુરતના એક પરિવારે સેલ્ફ કોરેન્ટાઈનનું ઉદાહરણ પૂરૂ પાડ્યું
સુરત, તા. 21 માર્ચ 2020 શનિવાર
વિદેશથી આવેલા પ્રવાસીઓ કોરોના માટે શંકાસ્પદ છે ત્યારે તેમને હોમ કોરેન્ટાઈન કરવા માટે મહાનગરપાલિકાએ પોલીસની મદદ લેવી પડી રહી છે. આવા સંજોગોમાં વિદેશથી આવેલો સુરતના પાલનપુર ગામનો એક પરિવાર સેલ્ફ કોરેન્ટાઈન માટે ઉદાહરણ બની ગયો છે.
આઠ માર્ચથી દુબઈથી આવ્યા બાદ કોઈપણ જાતની સરકારી સુચના વિના આ પરિવાર 14 દિવસથી લોકોથી અલિપ્ત રહે છે. આ પરિવારને કોઈપણ જાતના લક્ષણો ન હોવા છતાં જાતે જ અન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેલ્ફ કોરેન્ટાઈન કરી રહ્યો છે.
સુરતના પાલનપુર ગામમાં રહેતો ઠક્કર પરિવાર 8 માર્ચના રોજ દુબઈથી પરત ફર્યો હતો. દુબઈથી આવતા એરપોર્ટ પર જ તેમનું ચેકિંગ કરાયું હતું. જેમાં તેઓમાં કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા ન હતા. તેમ છતાં આ પરિવાર રોગની ગંભીરતાને જોઈને બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં જાતે ચેકઅપ માટે ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ તેઓને કોઇ પણ જાતના લક્ષણ ન હોવા ઉપરાંત બધુ બરાબર હોવાનું જણાવ્યું હતું. પરિવારના વરદ ઠક્કર કહે છે કોરોના અંગે તેમણે માહિતી મેળવી હતી. જેમાં સેલ્ફ કોરેન્ટાઈન અંગે જાણ્યુ હતું. તેઓ તંદુરસ્ત અને ચેપ મુક્ત હોવા છતાં કદાચ અન્ય કોઈને મુશ્કેલી ન આવે તે માટે સેલ્ફ કોરેન્ટાઈનનો નિર્ણય કર્યો હતો.
દુબઈથી આ પરિવાર પોતાના ઘરમાં જ રહે છે. ઘરમાં જરૂરી વસ્તુઓ ઓનલાઈન મંગાવી રહ્યા છે. પોતે વિદેશથી આવ્યા હોવાથી કોઈના સંપર્કમાં ચૌદ દિવસ સુધી ન આવે તેનો ખાસ ખ્યાલ રાખી રહ્યા છે.
સુરતનો આ એક પરિવાર એવો છે જે કોઈપણ જાતના સરકારી દબાણ વિના પોતાની નાગરિક ફરજ સમજીને સેલ્ફ કોરેન્ટાઈન કરીને લોકોમાં ઉદાહરણરૂપ બની ગયો છે. જ્યારે સુરતના બાકીના લોકો જે વિદેશથી આવ્યા છે. તેઓને હોમ કોરેન્ટાઈન માટે ફરજ પાડવામાં આવી રહી છે.
હોમ કોરેન્ટાઈનનો અમલ કરવા ચૂક થાય તો 25 હજાર સુધીનો દંડ વસૂલવા સાથે પોલીસની મદદ પણ લેવામાં આવશે. જો પાલનપુરના ઠક્કર પરિવારની જેમ વિદેશથી આવેલા સુરતીઓ સેલ્ફ કે હોમકોરેન્ટાઈનનું નિષ્ઠાપૂર્વક પાલન કરે તો સુરતમાં કોરોના વાયરસ ફેલાવાની શક્યતા ઘણી જ ઓછી થઈ શકે તેમ છે.