– ભરૂચ એલસીબીએ ગેરકાયદેસર રીતે પાનોલીની ઓમકાર કંપનીના નામે મંગાવેલ 4.32 લાખનો મિથેનોલ મળી કુલ 14.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
રાજ્યમાં બોટાડ લઠ્ઠાકાંડનું કારક એવા મિથેનોલનો મોટો જથ્થો અંકલેશ્વરમાંથી બીજી વખત લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ટેન્કર ચાલક,કંપની માલિક સહિત 15 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.બોટાડ કેમિકલ કાંડ બાદ ભરૂચ જિલ્લા પોલીસે પણ ઔદ્યોગિક ગઢ ભરૂચમાં મિથેનોલનો વપરાશ કરતી 350 થી વધુ કંપનીઓમાં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની સૂચનાથી તપાસ હાથ ધરી હતી.મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓ ઉપર સતત વોચ સાથે સ્ટોક મેઈન્ટેન રાખવા તાકીદ અપાઈ હતી.સાથે જ ગેરકાયદે મિથેનોલની હેરફેર પર પણ પોલીસ વોચ રાખી રહી છે.
ભરૂચ LCB એ અંકલેશ્વર GIDC ની એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે પાનોલીની ઓમકાર કંપનીના નામે મંગાવેલ ₹4.32 લાખનો મિથેનોલ મળી કુલ 14.37 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વર GIDCની એશિયન પેઈન્ટ ચોકડી પાસે ટેન્કર નંબર-એમ.એચ.46 બી.એમ. 3598 માં શંકાસ્પદ લીક્વીડ ભરેલ છે અને કોઈક કંપનીમાં ખાલી કરવાની ફિરાકમાં છે,જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.સ્થળ પર રહેલા ટેન્કરમાંથી 24 હજાર લીટર મિથેનોલનો જથ્થો મળી આવ્યો હતો.
મુંબઈના વાય.એલ.ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો ટેન્કર ચાલક સુરજીતસિંગ રબેલસિંગને ઝડપી પાડ્યો હતો.તેની પુછપરછ કરતા તે મિથેનોલનો જથ્થો રાયગઢની સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડમાંથી કમલાસિંગે અંકલેશ્વર પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું.જે અંગે પોલીસે વધુ પુછપરછ કરતા સુરતના સાયરસ મહેતાએ પાનોલીની ઓમકાર કેમિકલ કંપનીના નામે હિમાંશુ મુકેશ ભગતવાલાએ મિથેનોલનો ઓર્ડર નોંધાવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે ઓમકાર કંપની માલિક હરેશ પરબત સોલિયા સહીત 15 ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


