– ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક,અંબાજી પ્રસાદ મામલે લેવાઈ શકે નિર્ણય
– મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં
ગાંધીનગર, 14 માર્ચ 2023 મંગળવાર : અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વધુ વકરતો જાય છે.મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં છે.વિશ્વ હિંદુ પરિષદે પણ આંદોલનમાં ઝંપલાવ્યું છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનને આગળ નહીં વધારવા વીએચપીના આગેવાનો ઉપર દબાણ શરૂ કર્યું છે.બીજી તરફ ભક્તોના રોષને જોતાં આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે.જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે.આ બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે.
હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ પ્રસાદને લઈ બેઠક કરશે
હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલની આજે બેઠક મળવાની છે.આ બેઠકમાં હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી સાથે બેઠક કરીને પ્રસાદ અંગે વિચારણા કરશે.બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.આ પહેલા તેમણે જણાવ્યું હતુ કે, ચિકીના પ્રસાદને લાંબા સમય સુધી રાખી શકવામાં આવે છે.દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યુ હતુ કે, માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી.મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ.
અંબાજી પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે : નીતિન પટેલ
અંબાજી મહાપ્રસાદને વિવાદને લઈ ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અંબાજી પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે છે અને સરકાર યોગ્ય નિરાકરણ લાવશે.ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે.તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે,ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે.મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે.મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.