– આ મામલે દાંતાનો રાજવી પરિવાર સામે આવ્યો
– રાજવી પરિવારના પરમવીરસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી ધ્યાન દોર્યું
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ હવે વધતો જોવા મળી રહ્યો છે.એક બાદ એક લોકો પ્રસાદ બદલવાને લઈ સમર્થન અને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે છેલ્લા ઘણા દિવસોથી વિરોધ થઈ રહ્યો છે.હિન્દુ સંગઠનો,માઈભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીને ફરી તેને શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે.જેને લઈ હવે આ મામલે દાંતાનો રાજવી પરિવાર દ્વારા આગળ આવી પીએમ મોદીને ટ્વીટ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અંબાજીમાં મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ કરવામાં આવ્યો તેને ઘણા દિવસો થઈ ગયા છે.અહીં આવનારા દર્શનાર્થીઓ પણ પ્રસાદમાં મોહનથાળ ન મળવાના કારણે નારાજગી વ્યક્ત કરી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવે તે મુદ્દે ધરણા કરીને નારાજગી વ્યક્ત કરી હતી.જે બાદ હવે દાંતા સ્ટેટ રાજવી પરિવારના પરમવીરસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને આ અંગે ધ્યાન દોર્યું છે.તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, સમ્માનનીય વડાપ્રધાન સાહેબ જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે.કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે.આ સાથે તેઓ ઈન્સ્ટાગ્રામ પર પણ તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, મોહનથાળ ખાલી પ્રસાદ નથી,લાખો લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે તેને બંધ કરવું એટલે કે લોકોની આસ્થા સાથે છેડછાડ, આ યોગ્ય નથી.
મહત્વનું છે કે, આ મામલે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું.જેમાં તેમણે કહ્યું હતું કે, મોહનથાળ લાંબો સમય સાચવી શકાતો નથી.જ્યારે ચિક્કી ત્રણ મહિના સુધી બગડતી નથી.જેથી વિદેશ પણ લઈ જઈ શકાશે. આસ્થાના વિષયમાં આવી બાબતોનું કોઈ સ્થાન નથી.ચિક્કી સૂકામેવા,માવા અને શીંગદાણામાંથી બને છે.તેથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.મોહનથાળ અંગે લોકોની લાગણી હતી કે, તેઓ આ પ્રસાદ અગિયારસ,પૂનમ કે નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકતા નથી.જેથી ચિક્કીનો પ્રસાદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.