સુરત પતંગ ચગાવતા અને લૂંટવા જતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.તેમજ નાની-મોટી ઇજાના પણ બનાવો નોંધાયા હતા.પતંગ લૂંટવા જતાં રેલવે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા ઉત્રાણ સ્ટેશન પાસે,સગરામપુરા,સોનીફળિયા અને લાલગેટમાં જુદા-જુદા બનાવોમાં 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
અમરોલીના ગણેશનગર પાસે રહેતા મૂળ એમપીના વતની દિપક ફરાસી નિનામા (18) અને સુનીલ જાલુભાઈ વસુનીયા (17) 14મીએ સાંજે પતંગ પકડવાની લ્હાયમાં અમરોલી રેલવે ટ્રેક પાસે ટ્રેનની અડફેટમાં આવતા બંને જણા મોતને ભેટ્યા હતા.બંને જણા ઘરેથી બજારમાં જવાનું કહીને નિકળ્યા હતા અને બાદ મોડી સાંજે 8 વાગ્યે રેલવે પાસેથી લાશ મળી હતી.બંને યુવાનો મામા-ફોઈના દીકરા છે.હરીપુરા લીમડાશેરી પાટીદાર ભવનની સામે ઍપલ હાઉસમાં રહેતા રાજુ ગોવિંદો સરદાર (25) ઉત્તરાયણ હોવાથી ચોથા માળે પતંગ ચગાવતો હતો,એ સમયે અચાનક પગ લપસી જતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યંુ હતંુ.
આવી જ રીતે સોની ફળિયા એની બેસન્ટ રોડ ઉપરના શોભના એપાર્ટમેન્ટ પાસે પતરાની રૂમમાં રહેતાં ભુપેન્દ્ર કાળુજી મકવાણા (55) પતંગની દોરી ઘસવાની મજૂરી કામ કરીને બે પુત્રો પત્ની સાથે જીવન ગુજારી રહ્યા હતા.એપાર્ટમેન્ટના ચોથા માળે પતંગ ચગાવતી વખતે એકાએક નીચે પડી જતાં ગંભીર ઇજા થતા મોતને ભેટ્યા હતા.સગરામપુરા સ્થિત પુતળી પાસે નવનિર્મિત બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા 10 વર્ષના બાળક અક્ષય રાજુભાઇ ભાંભોરનું મોત નિપજ્યું હતંુ.બુધવારના રોજ વતનથી રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના બોચરદા ગામેથી રાજુ ભાંભોર સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. ત્રણ સંતાનોમાં અક્ષય મોટો દીકરો હોવાનું પિતાએ જણાવ્યું હતું. નવી બંધાતી બિલ્ડિંગમાં માતા-પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પિતાએ જણાવ્યું હતું કે, પતંગ પકડવાની લ્હાયમાં દીકરો ચોથા માળેથી નીચે પટકાયો હતો.આ ઉપરાંત પણ ઉત્તરાયણની ઉજવણી દરમિયાન અનેકને નાની મોટી ઇજા પહોંચી હતી.


