ભાવનગર : વર્ષ દરમિયાન ચાર શ્રેષ્ઠ વણજોયા મુર્હૂત, લાભ પાંચમ, વસંત પંચમી, અખાત્રીજ અને દશેરા વગેરે છે.જેમાં આજે તા.૩ મે ને મંગળવારે અખાત્રીજનો તહેવાર સૌથી વધુ શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવતો હોય ચોતરફ સોના,ચાંદી તેમજ સ્થાવર અને જંગમ મિલ્કત તેમજ નવા વાહનની શુકનવંતી ખરીદી અને વેચાણ માટે શુભ હોય બજારમાં ચોતરફ તેનો ધમધમાટ વધશે.સમસ્ત હિન્દુ તેમજ જૈન ધર્મમાં આજનું અક્ષય તૃતીયાના મહાપર્વને હિન્દુ ધર્મમાં વિશેષ માનવામાં આવે છે.આજના દિવસે જે કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે.એટલે તેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે.અખાત્રીજના પર્વે ભાવનગરની સ્થાપના થઈ હતી.ભાવનગર અને સિહોર તાલુકામાં આવેલ ટાણા ગામની એક જ દિવસે સ્થાપના કરાઈ હતી. આજના મહાપર્વે ભાવનગર અને ટાણા ગામમાં એકસાથે તોરણ બંધાયા હતા.સૌરાષ્ટ્ર-કચ્છમાં અખાત્રીજને વર્ષનો વચલો દિવસ કહેવામાં આવે છે.દર વર્ષે ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં જૈનસમાજમાં વર્ષતપની તપસ્યા વિશાળ સંખ્યામાં થઇ રહી છે.વર્ષી તપથી ૧૦૮ લાભો થાય છે તેનું શાસ્ત્રોમાં વર્ણન કરાયુ છે.જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ષભદેવ ભગવાને એક વર્ષ ઉપરાંત સળંગ ઉપવાસ કર્યા હતા અને તેઓનું પારણું આજે અખાત્રીજના મહાપર્વે કરાયુ હોય તે સમયથી વર્ષીતપના તપસ્વીઓના પારણા કરાવાય છે.જયારે પુરાણોમાં આ તિથિને યુગાદિ તિથિ કહેવાય છે.આ દિવસે સત્યુગની શરૂઆત માનવામાં આવે છે.તેમજ અખાત્રીજે કરાયેલ કોઈપણ પ્રકારના દાનનું પુણ્ય કયારેય નષ્ટ થતુ ન હોય ચોતરફ જીવદયા પ્રવૃતીઓનો ધમધમાટ વધશે.આજના પર્વે લક્ષ્મીજીની વિધિવિધાનપુર્વક પૂજા કરાશે.
સનાતન ધર્મના અવતરણના સમયથી રાષ્ટ્ર અને સમાજને શાસ્ત્રો અને શસ્ત્ર વડે શિક્ષા અને દિક્ષા આપનાર બ્રાહ્મણોના આરાધ્યદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતિની ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરાશે.આ અવસરે મહાપૂજન, મહાઆરતી તેમજ શિવદરબાર સહિતના કાર્યક્રમો યોજાશે.જયારે પાલીવાલ બ્રહ્મસમાજ, પરશુરામ યુવા સેના દ્વારા કાળીયાબીડના સદગુરુ આશ્રમેથી નિકળશે.જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અધેવાડાના શિવકુંજ આશ્રમે જશે. જયારે વિરામ બાદ ધર્મસભા યોજાશે.શોભાયાત્રામાં મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચકલીના ૫૦૦૦ માળાનું ફ્રી વિતરણ કરાશે.
તા.૪.૫ ને બુધવારે સવારે ૯.૧૫ કલાકે તપસ્વીની શોભાયાત્રા તૃપ્તિ જિનાલયથી ચઢશે.બાદ સવારે ૧૦ કલાકે શહેરના કાળાનાળા ખાતે આવેલા દાદાસાહેબ જિનાલયના આરાધના હોલમાં જૈનાચાર્યોની પાવનકારી નિશ્રામાં તપસ્વીરત્નના પારણા કરવામાં આવશે.


