અમદાવાદ : તા.25 જૂન 2022 : કેન્દ્ર સરકારે દેશની સેનાની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી માટે નવી અગ્નિવીર યોજના શરૂ કરી છે.આ યોજના હેઠળ સેનામાં નોકરીની મુદ્દત પૂર્ણ થયા પછી એક ચોક્કસ રકમ આપવામાં આવશે પણ પેન્શન મળે એવી જોગવાઈ નથી.કેન્દ્ર સરકારે સેનાના પેન્શનનો ખર્ચ વધી રહ્યો હોવાથી આ પગલું ભર્યું હોવાની વાત થઈ રહી છે.આ યોજનાનો સેના ભરતી થવા ઇચ્છતા યુવાનોએ દેશના કેટલાક ભાગોમાં હિંસક વિરોધ કર્યો હતો તો વિરોધ પક્ષો પણ યોજના અંગે ચર્ચા થાય,ફેરવિચારણા થાય,વર્તમાન વ્યવસ્થા ચાલુ રહે એવી માંગ કરી રહ્યા છે.
દરમિયાન,ભાજપના સાંસદ અને વરિષ્ઠ નેતા વરૂણ ગાંધીએ પણ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું છે.ગાંધીએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે ઓછી મુદ્દત માટે દેશની રક્ષા કરતા આ જવાનોને પેન્શન મળવું જોઈએ. તેમણે એક વધુ ધારદાર સવાલ કર્યો છે કે જો ઓછી મુદ્દત માટે અગનિવીરને પેન્શન ન મળે તો આવી રીતે જન પ્રતિનિધિઓ(સાંસદ,ધારાસભ્યો,કાઉન્સિલર)ને પણ કેમ પેન્શન મળે છે?ટ્વીટમાં ગાંધી જણાવે છે કે આપણે ધારાસભ્યોએ અને સાંસદોએ પોતાનું પેન્શન છોડી અગ્નિવીરને પેન્શન મળે એવું નિશ્ચિત કરવું જોઈએ.વધુમાં ગાંધીએ પોતે પોતાનું પેન્શન છોડવા તૈયાર હોવાની વાત પણ આ ટ્વીટમાં કરી છે.