નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાને લઈને બચાવ અને આક્ષેપ સતત ચાલુ છે.વિપક્ષ સરકારને સવાલ પૂછી રહ્યો છે,તો ભાજપ દ્વારા આ મામલે વિપક્ષો પર રાજનીતિ કરવામાં આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે.આ દરમિયાન ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે એવું નિવેદન આપ્યું, જેના કારણે તેઓ વિપક્ષોના નિશાન પર આવી ગયા છે.ભાજપના રાષ્ટ્રીય નેતા કૈલાશ વિજયવર્ગીયે પોતાના નિવેદનમાં કહ્યું કે,‘અમારે પાર્ટી ઓફિસમાં સુરક્ષા રાખવા છે તો અમે કોઈ પૂર્વ અગ્નિવીરને પ્રાથમિકતા આપીશું.’આ નિવેદન બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વરુણ ગાંધી સહિત કેટલીક રાજકીય હસ્તીઓએ વિજયવર્ગીય પર નિશાન તાક્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે‘દેશના યુવાનો અને સૈન્યના જવાનોનું આટલું અપમાન ન કરો.આપણા યુવાનો દિવસ-રાત મહેનત કરીને ફિઝિકલ પાસ કરે છે,ટેસ્ટ પાસ કરે છે,કારણ કે એ સૈન્યમાં જઈને જીવનભર દેશ સેવા કરવા ઈચ્છે છે,એટલા માટે નહીં કે એ ભાજપની ઓફિસની બહાર ગાર્ડ બનીને રહે.’જ્યારે ભાજપ સાંસદ વરુણ ગાંધીએ લખ્યું કે જે મહાન સેનાની વીર ગાથા કહી શકવામાં આખો શબ્દકોશ અસમર્થ છે,જેના પરાક્રમનો ડંકો વિશ્વમાં ગૂંજ્યો હોય,‘એ ભારતીય સૈનિકોને કોઈ રાજકીય ઓફિસની ચોકીદારી કરવાનું આમંત્રણ,એ આપનારને જ મુબારક.
ભારતીય સેનામાં ભારતની સેવાનું માધ્યમ છે,ફક્ત એક નોકરી નહીં.’જોકે,પોતાના નિવેદનને લીધે વિવાદ પેદા થયો,તો બાદમાં કૈલાશ વિજયવર્ગીયે આરોપ લગાવ્યો કે ટૂલકિટ સાથે જોડાયેલી ટોળકી મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરી રહી છે,આ રીતે કર્મવીરોનું અપમાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

