સુરત અઠવાલાઇન્સની ICICI બેંકમાં 3.25 કરોડનો નકલી ચેક ટ્રાન્સફર કરવા આવેલા બે ગઠીયાઓને બેંકના કર્મચારીઓએ પકડી પાડયા હતા.બેંક મેનેજર વહાબ હકીમની ફરિયાદના આધારે ઉમરા પોલીસે રવિ હરીશ ગગલાણી(49)(શિવસાગર રેસીડન્સી,વીઆઈપી રોડ,વેસુ)અને શોયેબ રહીમ સોફાવાલા(35)(સગરામપુરા)સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે બન્ને ગઠીયાઓ એડીપી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ખાતાનો 3.25 કરોડનો ચેક વિશ્વકર્મા એન્ટર પ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર કરવા 25મી તારીખે બેંકમાં આવ્યા હતા. 3.25 કરોડની રકમનો ચેક હોવાથી ટ્રાન્સફર માટે કંપનીનું કન્ફર્મેશન જરૂરી હોવાથી બેંકના સ્ટાફે એડીપી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો રજીસ્ટ્રર નંબર ન હોવાથી જે તે બેંકની બ્રાંચને મેલ મોકલી આપ્યો હતો.
આથી ચેન્નાઈની ICICI બેંકની બ્રાંચનો મેલનો જવાબ આવ્યો જેમાં આવો કોઈ ચેક કપનીએ આપ્યો નથી. પછી ICICI બેંકના કર્મચારીએ જે ચેક ગઠીયાએ આપ્યો તે બાબતે તપાસ કરી તો તે ચેક અગાઉ પાસ થઈ ગયો હતો.
27મી તારીખે ગઠીયાઓ પાછા ICICI બેંકમાં આવ્યા ત્યારે કર્મચારીએ તેને થોડીવાર બેસાડી બાદમાં પોલીસ કંટ્રોલને કોલ કરી દીધો હતો.બંનેને ઉમરા પોલીસ મથકે લવાયા હતા.રવિ ગગલાણી પ્રાઇવેટ કંપનીમાં સીસીટીવી કેમેરામાં કામ કરે છે અને શોયેબ સોફાવાલા પ્રાઇવેટ કંપનીમાં એરિયા મેનેજર છે.બંને પાસે ચેક ક્યાંથી આવ્યો અને આમા કોણ કોણ સામેલ છેની તપાસ કરાય તો મોટા માથા બહાર આવી શકે છે.


