સુરત : અડાજણ હનીપાર્ક રોડના કેદાર દર્શન એપાર્ટમેન્ટમાં પતિ-પત્ની વચ્ચે ભાડાના ઘરની ડિપોઝીટ મુદ્દે ચાલી રહેલા ઝઘડા અંતર્ગત પતિએ પત્નીને ચપ્પુના ચારથી પાંચ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.પત્ની પર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ જેલવાસ ભોગવી ચુકેલો રીઢો ગુનેગાર છે.અડાજણના હનીપાર્ક રોડ સ્થિત કેદાર દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી રતનબેન રમેશ મારૂ(ઉ.વ.50)ગત રાતે તેના પતિ રમેશ ઉર્ફે ડલુ મંગા મારૂએ ચપ્પુ વડે હુમલો કરી છાતી,પેટ અને હાથમાં ચારથી પાંચ ઘા ઝીંકી ભાગી ગયો હતો.પડોશીઓ ઇજાગ્રસ્ત રતનબેનને તુંરત જ 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી રતને રમેશ જોડે પ્રેમલગ્ન કર્યા હતા અને તેઓ કેદાર દર્શન એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે.રમેશ અગાઉ મારામારી,હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાય ચુકયો છે અને તેની માથાભારે પ્રવૃત્તિને કારણે સમયાંતરે પોતાનું રહેણાંક બદલતો હતો.છેલ્લા પાંચેક દિવસથી કેદાર દર્શન એપાર્ટમેન્ટનું રહેણાંક બદલવા માટે પતિ-પત્ની વચ્ચે તકરાર ચાલી રહી હતી.ભાડાના ઘર માટે રતનબેને ડિપોઝીટના રૂપિયા આપવાનો ઇન્કાર કરતા રમેશે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.ઘટના અંગે અડાજણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

