દેશમાં ૧લી જૂનથી લૉકડાઉન સંબંધિત પ્રતિબંધોમાં વ્યાપક છૂટથી ઈંધણની માગ વધતા અને ક્રૂડના ભાવમાં સાધારણ વધારાના કારણે રવિવારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૬૦ પૈસા સુધીનો વધારો કરાયો છે.અંદાજે ૮૦ દિવસમાં પહેલી વખત પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈસમાં વધારો થયો છે.દરમિયાન ઓપેક અને સંલગ્ન રાષ્ટ્રો પણ જુલાઈના અંત સુધી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધુ કાપ મુકવા સંમત થયા છે. આથી, નજીકના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.
અનલોક થતાં અવર જવર વધી,વાહનો રસ્તા પર આવ્યા
દેશમાં ૧લી જૂનથી લૉકડાઉનમાં છૂટછાટો મળતાં રસ્તા પર ટ્રાફિકની અવર-જવર શરૂ થઈ ગઈ છે.પરિણામે પેટ્રોલ અને ડીઝલની માગ પણ વધવાનું શરૂ થયું છે.દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલમાં ૧૬મી માર્ચે ફેરફાર જોવા મળ્યો હતો.ત્યારથી લઈને રવિવાર સુધી વિવિધ રાજ્ય સરકારો દ્વારા વેટ અથવા સેસ વધારવામાં આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા.ઓઈલ કંપનીઓ દ્વારા લૉકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલની માગ ન હોવાથી ભાવમાં દૈનિક સમિક્ષા બંધ કરી દેવાઈ હતી.
60 પૈસા સુધીનો વધારો
ઓઈલ કંપનીઓ દ્વારા બેઝ પ્રાઈસમાં બાવન પૈસાથી ૬૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવતાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૬૭.૭૪ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૬૫.૭૬ થયો છે.દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૭૧.૮૬ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૬૯.૯૯ થયા છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૭૮.૯૧ રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૬૮.૭૯ થયા છે. ચેન્નઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૭૬.૦૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૬૮.૭૪ થઈ ગયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૭૩.૮૯ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૬૬.૧૭ થયો છે.
હજુ પણ ભાવ વધવાની શક્યતા
દરમિયાન પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનું અન્ય એક કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ત્રણ મહિનાની ટોચે પહોંચીને પ્રતિ બેરલ ૪૨ ડોલર થયો છે.ઓપેક દેશો,રશિયા અને અન્ય સહયોગી દેશોની શનિવારની એક બેઠકમાં જુલાઈના અંત સુધીમાં ક્રૂડના ઉત્પાદનમાં દૈનિક એક કરોડ બેરલ સુધીનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.તેમને આશા છે કે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી વૈશ્વિક આર્થિક કટોકટીથી એનર્જી બજારોને ગંભીર નુકસાન થયું છે.જોકે, એકબાજુ સમગ્ર વિશ્વમાં લૉકડાઉન ખૂલી રહ્યા હોવાથી પેટ્રોલ-ડીઝલની માગ વધશે અને બીજીબાજુ ક્રૂડના ઉત્પાદનમાં કાપથી ભાવ વધશે. ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા એકંદરે વૈશ્વિક પુરવઠાના ૧૦ ટકા જેટલો કાપ મૂકાશે. ક્રૂડના ઉત્પાદનમાં કાપને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા છે.આ વર્ષે એપ્રિલમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૨૦ ડોલર સુધી ગગડી ગયો હતો.