નવી દિલ્હી,તા.19 એપ્રિલ 2023,બુધવાર : યુ.પી.ના માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યાથી ઉત્તરપ્રદેશમાં એક ગેંગસ્ટરના અધ્યાયનો અંત આવ્યો છે.જ્યારે અતીક અહેમદની આ પ્રકારની હત્યાથી કેટલાક લોકોમાં રોષ પણ છે માટે ઉત્તરપ્રદેશની પરિસ્થિતિ ન વણસે તે માટે સમ્રગ રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા હજુ પણ બંધ છે.તે વચ્ચે અતીક અહેમદની પત્ની સાઇસ્તા પરવીનનો એક પત્ર સોશિયલ મિડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે પત્રમાં તેણે પ્રયાગરાજના કમિશનર અને STFના વડા સામે સનસનીખેજ આરોપ કર્યા છે.
સાઇસ્તા પરવીના કથિત વાયરલ પત્રમાં લખ્યુ છે કે સત્તાને પોતાના પાસે રાખવાના હેતુથી ઉત્તરપ્રદેશ સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ઉમેશ પાલની હત્યાના કાવતરા ઘડવામાં આવ્યા હતા.પ્રયાગરાજ પોલીસ પણ દબાણમાં કામ કરી રહી છે અને સાથે જ પત્રમાં તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા અને STF ડી.આઈ.જી. અમિતાભ વિરોધીઓ પાસેથી મારા પતિ અને દિયરની હત્યા માટે સોપારી લઈને બેઠા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલની હત્યા બાદથી સાઇસ્તા પરવીન વોટેન્ડ છે.તેના પર પણ ઉમેશપાલ હત્યાકાંડમાં સંડોવણી હોવાના આરોપસર પોલીસે તેને આરોપી બનાવી છે.શાઇસ્તા પરવીન હજુ સુધી પોલીસ પકડથી દુર છે.શાઇસ્તા પરવીન સામે 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.પોલીસે તેના માથે પણ ઈનામ જાહેર કર્યુ છે.પોલીસના જણાવ્યા અનુસાર અતીક અહેમદ જેલમાં બંધ હતો ત્યારે શાઇસ્ત પરવીન તેના ગુનાખોરીનું સમ્રાજ્ય સંભાળી રહી હતી અને ઉમેશ પાલ હત્યામાં તેને શૂટરને પૈસા પણ આપ્યા હતા.