અમદાવાદ, ગુરુવાર : ગુજરાતમાં આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ રહી શકે છે તેવું હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજસ્થાન,ગુજરાત,નાગાલેન્ડ,મણીપુર,મિઝોરમ,ત્રિપુરામાં ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન વરસાદની ઘટ અનુભવાય તેની પૂરી સંભાવના છે. બીજી તરફ ઉચ્ચક ભારતમાંથી પંજાબ,હરિયાણા,ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહે તેની સંભાવના ૬૫%,ઘટ નોંધાય તેની સંભાવના ૨૫% અને સામાન્યથી જ સારું રહે તેની સંભાવના ૧૦% છે.ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ જળસ્તર ઘટવા લાગ્યું છે ત્યાં હવે વરસાદની ઘટની આગાહીથી ચિંતાનું મોજું ફેલાયું છે.
ગુજરાતમાં ગત વર્ષે ૩૨.૫૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૮.૪૮% વરસાદ નોંધાયો હતો.આ સિવાય ૨૦૨૦માં ૪૪.૭૭ ઈંચ સાથે મોસમનો ૧૩૭% જ્યારે ૨૦૧૯માં ૪૭ ઈંચ સાથે મોસમનો ૧૪૬% વરસાદ નોંધાયો હતો.


