– 1998નું વાવાઝોડુ ‘અત્યંત ગંભીર’ હતું
– 1998માં આવેલા વાવાઝોડામાં 1,176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા
નવી દિલ્હી, તા. 15 જૂન 2023, ગુરૂવાર : તોફાની વાવાઝોડુ બિપરજોયના કારણે ગુજરાત સહિત અનેક દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે.બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.બિપરજોય અરબી સમુદ્રમાં સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બનવા જઈ રહ્યું છે.તે 6 જૂને અરબી સમુદ્ર પર રચાયું હતું અને તે લગભગ આઠ દિવસથી બની રહ્યુ છે.બીજી તરફ લેન્ડફોલ કરતી વખતે પણ તે થોડા વધુ દિવસો સુધી અસરકારક રહેશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડેટા પ્રમાણે ‘બિપરજોય’ 1965 પછી જૂનમાં પશ્ચિમી રાજ્યમાં ત્રાટકેલું ત્રીજું વાવાઝોડુ છે.અગાઉ ગુજરાતમાંથી માત્ર બે જ તીવ્ર વાવાઝોડા પસાર થયા હતા. 1996માં પ્રથમ અને 1998માં બીજુ.તમને જણાવી દઈએ કે 1998નું વાવાઝોડુ ‘અત્યંત ગંભીર’ હતું અને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે પોરબંદરના દરિયાકાંઠે અથડાયું હતું.જેમાં 1,176 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બિપરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છને જ્યારે પાકિસ્તાનના કરાચીને 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કરી શકે છે. 25 વર્ષ બાદ જૂનમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું આ પ્રથમ વાવઝોડુ છે.જો આપણે અરબી સમુદ્ર પર નજર કરીએ તો જૂનમાં 1965 થી 2023 વચ્ચે ‘બિપરજોય’ ઉપરાંત 13 વાવાઝોડા આવ્યા હતા.આમાંથી છ અરબી સમુદ્રમાં જ નબળા પડી ગયા હતા.જ્યારે બે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈને પસાર થયા હતા.જ્યારે એક-એકનો મહારાષ્ટ્ર,પાકિસ્તાન,ઓમાન અને યમનમાં અંત આવ્યો હતો.તેમાંથી 2019નું ‘ક્યાર’ ખૂબ જ ખતરનાક હતું અને તે 9 દિવસ અને 15 કલાક સુધી રહ્યુ હતું.
બાંગ્લાદેશે ‘બિપરજોય’ વાવાઝોડુનું નામ સૂચન કર્યું હતું
વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે ‘બિપરજોય’ શબ્દ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યો છે અને બંગાળીમાં તેનો અર્થ ‘આપત્તિ’ થાય છે. IMDના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, તેની વિનાશક ક્ષમતા વ્યાપક હોઈ શકે છે. IMD એ જણાવ્યું છે કે તોફાની વાવાઝોડુ કેવી રીતે નુકસાન કરી શકે છે.
– વાવાઝોડાને કારણે ખાડાવાળા મકાનો અને કાચાના મકાનોને ભારે નુકસાન થઈ શકે છે. પાકાં મકાનોને પણ થોડું નુકસાન થઈ શકે છે.
– ઉડતી વસ્તુઓને કારણે સંભવિત જોખમ થઈ શકે છે.
– વીજળી અને સંદેશાવ્યવહારના થાંભલાઓને નુકસાન થઈ શકે છે.
– કાચા અને પાકા રસ્તાઓને ભારે નુકશાન થઈ શકે છે.
– રેલવે, ઓવરહેડ પાવર લાઈન અને સિગ્નલિંગ સિસ્ટમમાં વિક્ષેપ આવી શકે છે.
– ઉભા પાક,વાવેતર,બગીચાને વ્યાપક નુકસાન થઈ શકે છે.
– નાની બોટ અને ફેરીને નુકસાન થઈ શકે છે.
તોફાની વાવાઝોડુ આવતા ઘરમા રહીને શું કરવું અને શું ન કરવું
– ઈલેક્ટ્રિક મેઇન્સ અને ગેસ સપ્લાય બંધ કરવી
– દરવાજા અને બારી બંધ રાખવી
– ઘરની નજીકના સૂકાઈ ગયેલા વૃક્ષો/શાખાઓ હટાવી દેવા
– બારીઓ અને દરવાજાઓમાં કાચ ચઢાવી દેવા અથવા વાવાઝોડાના શટર લગાવવા
– જો ઘર અથવા આશ્રમ નબળી હોય તો વાવાઝોડુ આવવા પહેલા સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરી લેવું
– જો ઘર સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યું હોય, તો સૌથી સુરક્ષિત ભાગમાં આશ્રય લેવો
– કિમતી વસ્તુઓનો ઉપરના માળે લઈ જવું
– ઈમરજન્સી કીટ અને ફર્સ્ટ એઈડ બોક્સ તૈયાર રાખવું
– નાની અને છૂટક વસ્તુઓને સુરક્ષિત જગ્યાએ રાખો કારણ કે તે સરળતાથી ઉડી શકે છે
બહાર રહીને વાવાઝોડુ આવવા પર શું કરવું અને શું ન કરવું
– વીજળીના ઢીલા અને લટકતા તારોથી દૂર રહેવું
– નજીકના આશ્રય સ્થાનો પર જતુ રહેવું
– આશ્રયસ્થાનોમાં ઈન્ચાર્જ વ્યક્તિની સૂચનાઓનું પાલન કરો
– જ્યાં સુધી તમને ઘરે પાછા ફરવાની જાણ ન થાય ત્યાં સુધી શેલ્ટર હોમમાં જ રહેવું
– જો તમારે વાહન ચલાવવું જ પડે એમ હોય તો ધ્યાનથી ચલાવવું.