– સ્વ.મોહન ડેલકરના આપઘાતનો મામલો વધારે જોર પકડી રહ્યો છે, ભાજપના સાંસદો પણ સ્વ.મોહન ડેલકરના મામલે તપાસની માગ કરી
– મોહન ડેલકરના બારમાની વિધિમાં તમામ પાર્ટીના નેતાઓની શ્રદ્ધાંજલિ
– ભાજપના નેતાઓ દ્વારા પણ તપાસની માગણી કરાઈ
દાદરાનગર : સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાતનો મુદ્દો વધારે જોર પકડી રહ્યો છે.આજે સ્વ. મોહન ડેલકરના મૃત્યુ પછીની બારમાની વિધિ હતી.આ પ્રસંગે અનેક રાજકીય અગ્રણીઓ અને પ્રદેશના હજારો લોકોએ સ્વ.મોહન ડેલકરના ઘરે જઈ અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.મોહન ડેલકરના બારમાની વિધિમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહ પણ મોહન ડેલકરના ઘરે જઈ અને તેમને શ્રધ્ધાંજલિ પાઠવી પરિવારને સાંત્વના આપી હતી.
સંજયસિંહ નીકળ્યા બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના ભાજપના સાંસદોનું પણ એક પ્રતિનિધિમંડળ પણ મોહન ડેલકરના બારમાની વિધિમાં પહોંચ્યું હતું અને આદિવાસી સાંસદોએ સ્વ.મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.આજે મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પાઠવવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા,બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન માનસિંગ પટેલ સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ સેલવાસમાં મોહન ડેલકરના ઘરે પહોંચ્યા હતા.અને તેમને શ્રધ્ધાંજલિ પાઠવી પરિવારને સાંત્વના પાઠવી હતી.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ભાજપના સાંસદોએ મોહન ડેલકરના આઘાત જનક આપઘાત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે,મોહન ડેલકર આદિવાસી સમાજના અગ્રણી નેતા હતા અને આદીવાસી સમાજના હક માટે હંમેશા લડતા મોહન ડેલકરના આઘાતજનક પગલાને કારણે સમગ્ર આદિવાસી સમાજ દુઃખમાં છે અને આગામી સમયમાં જ્યારે સંસદમાં સત્ર મલી રહ્યું છે.એ વખતે આદિવાસી સાંસદો એક સાથે મળી અને સ્વ.મોહન ડેલકરના આપઘાત અંગે ચર્ચા કરી અને તપાસ માટે જરૂરી નિર્ણય કરનાર છે.
વધુમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વ. મોહન ડેલકરના આપઘાત પાછળના રહસ્યની તપાસ થવી જોઇએ અને આદીવાસી સમાજના અગ્રણી નેતા તરીકે તેમને ન્યાય અપાવવા અને પરિવારના સાથ માટે હંમેશા તત્પર છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે સમાજ પહેલો છે અને પછી બધું છે.આવી વાત કરી હતી.વધુમાં સુરત જિલ્લામાં આદિવાસી નેતા અને ભાજપના અગ્રણી એવા મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન માનસિંગ પટેલે પણ મોહન ડેલકર પરિવાર સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
મોહન ડેલકરના પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી.આમ સ્વ.મોહન ડેલકરના આપઘાતનો મામલો વધારે જોર પકડી રહ્યો છે.અત્યાર સુધી શિવસેના,એનસીપી,કોંગ્રેસ,જેડીયુ,આમ આદમી પાર્ટી અને ભાજપના સાંસદો પણ સ્વ.મોહન ડેલકરના મામલે તપાસની માગ કરી રહ્યા છે.આથી આગામી સમયમાં મોહન ડેલકરના આપઘાતનો મુદ્દો વધારે જોર પકડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.