અમદાવાદ,
અદાણી ગ્રીન એનર્જીનો માર્ચના ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ~55.64 કરોડ થયો હતો.ગત વર્ષે આ ગાળામાં તેણે ~94.08 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની કુલ આવક ~718.66 કરોડ થઈ હતી જે ગત વર્ષે આ ગાળામાં ~718.73 કરોડ હતી.સમગ્ર વર્ષ માટે કંપનીએ ~67.96 કરોડની નેટ ખોટ દર્શાવી હતી.અગાઉના વર્ષમાં તેની નેટ ખોટ ~475.05 કરોડ હતી.આમ, કંપનીની ખોટમાં ખાસ્સો ઘટાડો થઈ ગયો છે. સમગ્ર વર્ષમાં કંપનીની કુલ આવક ~2629.07 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે ~2130.99 કરોડ હતી.
અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણીએ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “અદાણી ગ્રુપે હંમેશા ગ્રુપ સ્તર પર નફાકારકતા જાળવી રાખી છે.કોરોના વાયરસની અસર તમામ સેક્ટર પર જોવા મળી છે ત્યારે બિઝનેસમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે ગ્રીન અને રિન્યૂએબલ એનર્જીલક્ષી રોકાણ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે “અમે દેશના અર્થતંત્રની વૃદ્ધિ માટે રાષ્ટ્રનિર્માણ અને ઈલેક્ટ્રિફિકેશન માટે વચનબદ્ધ છીએ. મે વધુ મજબૂત બનીને ઊભરીશું અને શેરધારકોને તેમના રોકાણમૂલ્યમાં વધારો કરીશું તેવો અમને વિશ્વાસ છે.”દરમિયાન અદાણી ગ્રીનના બોર્ડની સોમવારે મળેલી બેઠકમાં ~2500 કરોડ ઊભા કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ હતી. કંપની ઈક્વિટી શેર ઈશ્યૂ કરીને કે કન્વર્ટિબલ બોન્ડ્સ મારફતે કે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ મારફતે અન્ય કન્વર્ટિબલ સિક્યુરિટીઝ ફાળવીને આ રકમ એકત્ર કરશે.