સુરત : સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કોર્ડ દ્વારા ગત નવેમ્બર મહિનામાં ઇ-વે બિલ વગરની કબ્જે કરી નાનપુરા સ્થિત જીએસટી કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી ભાવનગરની કે.પી.એન્ટરપ્રાઇઝની કોપર ભરેલી ટ્રકમાંથી 4279 કિલોગ્રામ કોપરનો ભંગાર સગેવગે કરી તેના બદલે 2257.98 કિલોગ્રામ એમ.એસ ભંગાર મુકી રૂ.29.10 લાખની ચોરી કરવાના મુદ્દે અઠવાલાઇન્સ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કોર્ડ દ્વારા બાતમીના આધારે 18 નવેમ્બર 2021 ના રોજ કામરેજ ખાતે ટ્રક નં.એમએચ-04 જીસી-1557 ને આંતરી તલાશી લઇ ઇ-વે બિલની માંગણી કરવામાં આવી હતી.
ટ્રક ડ્રાઇવર દ્વારા ભાવનગરની કે.પી.એન્ટરપ્રાઇઝમાંથી સુરતની ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવામાં આવી રહેલા 9890 કિલોગ્રામ કોપરના ભંગારનું ઇ-વે બિલ રજૂ કર્યુ હતું.જીએસટીની મોબાઇલ સ્કોર્ડે ઇ-વે બિલની ઓનલાઇન ચકાસણી કરતા બિલ 17 નવેમ્બર કેન્સલ કરવામાં આવ્યું હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક જે તે ઠેકાણે સીઝ કરી હતી.
ત્યાર બાદ જીએસટી વિભાગે 20 નવેમ્બરે કોપરનો ભંગાર મોકલાવનાર કંપનીને નોટીસ ઇસ્યુ કરી હતી.પરંતુ કંપની દ્વારા કોઇ પ્રત્યુત્તર આપવામાં નહીં આવતા ભંગાર ભરેલી ટ્રકને નાનપુરા સ્થિત સ્ટેટ જીએસટી કચેરીના કંમ્પાઉન્ડમાં પાર્ક કરી સીઝ કરવામાં આવી હતી.ત્યાર બાદ 5 ડિસેમ્બરે ટ્રકનું ફિઝીકલ વેરીફીકેશન કરવામાં આવતા આશ્ચર્યજનક રૂપે ટ્રકમાંથી 4279 કિલોગ્રામ કોપરનું ભંગાર ઓછું હતું અને તેના બદલે 2257.98 એમ.એસ(માઇલ્ડ સ્ટીલ)ભંગારનો જથ્થો મુકવામાં આવ્યો હતો.જેને પગલે જીએસટીના મોબાઇલ સ્કોર્ડના ઇન્ચાર્જ વિપુલ મનસુખ દેસાઇ(રહે.પ્રમુખ છાયા સોસાયટી,પુણા)એ આ અંગે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

