ગુજરાત સરકારના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટો બદલાવ આવી રહ્યો છે.બદલીઓ ક્યારે થશે તેવા પ્રશ્ન સાથે વિભાગો સહિત પોલીસ બેડામાં ઉચાટ અને ઉત્તેજના જોવા મળી રહી છે.પૂર્વ સરકારમાં નિમણૂક પામેલા સિનિયર આઇએએસ અને આઇપીએસ સાથે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને દહેશત છે કે શ્રાદ્ધપક્ષ પછી સચિવાલય અને જિલ્લા વહીવટી તંત્રમાં ફેરફારો થશે.જે ઓફિસરો આ વર્ષમાં નિવૃત્ત થઇ રહ્યાં છે તેમને પણ નવા પોસ્ટીંગનો ડર સતાવી રહ્યો છે. મુખ્યમંત્રી કચેરીમાં થયેલા ફેરફાર પછી પણ હજી કેટલાક ઓફિસરોને આશંકા છે તેમને પાછા વિભાગમાં મોકલવામાં આવશે.ઉદ્યોગ,મહેસૂલ,શહેરી વિકાસ,ઉર્જા સહિતના 18થી વધુ વિભાગોમાં હાલ એક્સટેન્શન ભોગવતા અધિકારીઓએ વધુ એક એક્સટેન્શન માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે.
નવી સરકારે વિભાગોમાં કામ કરતાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓની પણ યાદી તૈયાર કરવાની સૂચના આપી છે જેથી શિક્ષણ,આરોગ્ય,પંચાયત,મહેસૂલ,શહેરી વિકાસ,સામાન્ય વહીવટ વિભાગ,માર્ગ-મકાન,ઉર્જા, ઉદ્યોગ,નાગરિક પુરવઠા, નાણાં,કૃષિ અને નર્મદા-જળસંપત્તિ, સિંચાઇ જેવા વિભાગોમાં પણ બદલાવ આવી શકે છે.એવી જ રીતે રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા રાજ્ય વન અધિકારીઓ તેમજ આઇએફએસ ઓફિસરોની પણ બદલીઓ થવાની શક્યતા વધી છે.ઘણાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને અન્યત્ર ખસેડી લેવામાં આવશે.
સચિવાલયમાં મહત્વના ગણાતા નાણા અને ગૃહ વિભાગમાં વધારાના હવાલા દૂર કરી આ વિભાગોમાં કાયમી અધિક મુખ્યસચિવની નિયુક્તિ કરવાની થાય છે.હાલ આ બન્ને વિભાગમાં પંકજ જોષી અને ડો. રાજીવકુમાર ગુપ્તાને વધારાનો ચાર્જ આપવામાં આવેલો છે. સચિવાલયમાં પાંચ થી સાત સિનિયર આઇએએસ કે જેમની નિયુક્તિ થોડો સમય પહેલાં થઇ છે તેમને પણ નવી સરકારમાં અલગ જગ્યાએ પોસ્ટીંગ મળે તેવી સંભાવના છે.
રાજ્યના પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડા,મહાનગરોના પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની મહત્વની જગ્યાઓ પર મોટાપાયે ફેરબદલ સંભવ છે.ઘણાં લાંબા સમયથી આઇપીએસ અધિકારીઓના પ્રમોશન અને બદલીઓ પેન્ડીંગ છે તેથી આ વિભાગમાં મોટાપાયે બદલાવ થવાની અટકળો તેજ બની છે. સચિવાલયમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે પહેલાં પોલીસ વિભાગમાં પછી સચિવાલયના વિભાગોમાં બદલીઓ થશે.
સચિવાલયની જેમ રાજ્યના વિવિધ બોર્ડ-નિગમમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ,જિલ્લા કલેક્ટર અને ડીડીઓની બદલીઓ થવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે.જૂની સરકારમાં જેમણે વિવાદાસ્પદ કામગીરી કરી છે તેવા અધિકારીઓને સાઇડ પોસ્ટીંગ આપવાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના મંત્રીઓ આવતીકાલથી જન આશીર્વાદ યાત્રામાં વ્યસ્ત છે.તેઓ તેમના જિલ્લામાં લોકો વચ્ચે જવાના છે અને આ કાર્યક્રમ 10મી ઓક્ટોબર સુધી ચાલવાનો છે,જેના સમાપન પછી વહીવટી તંત્ર અને પોલીસમાં સામૂહિક ફેરબદલ થાય તેવી ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે.


