અમદાવાદ : ગુજરાતની વિવિધ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી( કમ્પ્યુટર કન્સેપ્ટ કોર્સ) અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો અંતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી અંદાજે ૩૫૦૦થી વધુ અધ્યાપકોને લાભ થશે.જ્યારે તા. ૦૧-૦૧-૨૦૨૩ પછી જે અધ્યાપકો યુજીસીની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ ટ્રીપલ સી પ્લસ તથા હિન્દી-ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંઘ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ અને ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ સહિતના મંડળો દ્વારા અગાઉની સરકારમાં અનેકવાર રજૂઆતો કરાયા બાદ હાલની સરકારને પણ ટ્રીપલી પરીક્ષા, હિન્દી પરીક્ષા અને પ્રમોશન સહિતના પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરાઈ હતી.કેેરિયર એડવાઇન્સમેન્ટ સ્કીમ દ્વારા મળતા પ્રમોશનો તથા સાતમા પગાર પંચના લાભો મેળવવા માટે સી.સી.સી. તેમજ હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાનું વર્ષ-૨૦૧૯ ના સાતમા પગાર પંચના જી.આર. ધ્વારા ફરજિયાત કરવામાં આવેલ હતું.જેનો અમલ વર્ષ-૨૦૦૬ થી લાગુ કરવામાં આવેલ આના કારણે થઇ અને નોકરીમાં કાર્યરત, નિવૃત્ત થયેલા તેમજ કેટલાક મૃતક પ્રાધ્યાપકોને પગાર તથા પેન્શનના આર્થિક લાભો અટકયા હતા.મંડળોની રજૂઆતોને પગલે હાલની નવી સરકાર દ્વારા થોડા જ મહિનામાં નિર્ણય કરી આવા લગભગ ૭,૦૦૦ પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચના લાભો મેળવવા તથા તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી કેરીયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવા માટે સી.સી.સી પ્લસ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવામાં આવી છે.
જે પ્રાધ્યાપકોને તા.૧/૧/૨૦૨૩ કે ત્યારબાદ કેરિયર એડવાન્સમેન્ટના પ્રમોશન મેળવવાના થશે તેઓને ટ્રીપલસી અને હિન્દી કે ગુજરાતી પરીક્ષા આપવાની રહેશે.આ નિર્ણયથી રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ ૩૫૦૦થી વધુ અધ્યાપકોને લાભ થશે.ગુજરાત રાજયના કોલેજ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રમોશન તા.૦૧/૦૨/૨૦૧૯ ના રોજ જી.આર.ની કલમ ૮ થી રોકવામાં આવેલ હતા તે કલમ ૮ રદ કરી કેરિયર એડવાઇન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રમોશન પુન:સ્થાપિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી પેન્ડિંગ પ્રમોશનોની પ્રક્રિયા પણ હવે શરૃ થઈ શકશે.


