– થિયેટર અને જીમ શરૂ કરવા અંગે લેવાઈ શકે નિર્ણય : સિનેમા હોલમાં રપ ટકા સિટો સાથે ખોલવાની મળી શકે મંજૂરી : હજુ પણ પ્રવાસસ્થળો ખૂલે તેવી સંભાવના નહીંવત
ભુજ : ૩૧મી જુલાઈએ અનલોક-રની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે અને ૧લી ઓગસ્ટથી અનલોક-૩ લાગુ થવાનું છે ત્યારે અનલોક-૩માં કેટલી છૂટછાટ મળશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.કેસોમાં થઈ રહેલ સતત વધારા વચ્ચે ૩૧મીએ અનલોક-ર સમાપ્ત થઈ રહ્યું છે.જુલાઈ માસમાં કચ્છમાં ૩ર૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સહિત દેશમાં થિયેટર શરૂ થઈ શકે છે.તેની સાથે જીમને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે.સરકારે થિયેટર સંચાલકો સાથે બેઠક કરી હતી.સંચાલકોએ પ૦ ટકા સિટ સાથે થિયેટર શરૂ કરવાની માંગ કરી હતી. પણ સરકારે રપ ટકા સિટ સાથે થિયેટર શરૂ કરવાનું વિચારી રહી છે તો જીમ શરૂ થાય તેવી પણ સંભાવના છે.
જોકે,છેલ્લા પાંચેક માસથી લોકો કોઈપણ સ્થળે પ્રવાસે જઈ શક્યા નથી અને હવે ધીરે-ધીરે લોકો ઘર બહાર નીકળી રહ્યા છે.તેવામાં પ્રવાસન સ્થળો શરૂ કરવા કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.પણ હાલના સંજોગો જોતા પ્રવાસન સ્થળો ખૂલે તેવી શક્યતા નહીંવત છે.જોકે,સરકાર દ્વારા અનલોક-૩ની ગાઈડ લાઈન સંભવત કાલે જાહેરાત કરે તેવી શક્યતા છે.

