મુંબઇ તા. ૧ર : બેન્કરપ્સી કાયદાના પર્સનલ ગેરંટી કલોઝ હેઠળ અનિલ અંબાણી પાસેથી રૂ. ૧,ર૦૦ કરોડથી વધારે રિકવરી કરવા માટે એસબીઆઇ ઇન્સોલ્વન્સી કોર્ટમાં ગઇ છે. એસબીઆઇએ કહ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લીધેલી લોનમાં અનિલ અંબાણીએ પર્સનલ ગેરંટી આપી હતી.હાલમાં આરકોમ ઇન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ છે.
એસબીઆઇ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) ના સેકશન ૯૭(૩) હેઠળ એનસીએલટીમાં ગઇ છે.તેણે માંગણી કરી છે કે અનિલ અંબાણીની મિલકતોની આકારણી કરીને તેનો રિપોર્ટ સોંપવા માટે ઇન્સોલ્વન્સી બોર્ડને એક રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) નિયુકત કરવા સુચના આપવી જોઇએ.ગુરૂવારે અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.
બીએસવી પ્રકાશના અધ્યક્ષપદ હેઠળNCLTની બેન્ચે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે.એસબીઆઇનું પ્રતિનિધિત્વ વેંકટેસ ધોંડ અને રાયન ડિસૂઝા કરે છે અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કરે છે.