– માજી મંત્રીએ ઓળખ છૂપાવી રિસોર્ટસની માલિકી મેળવી હતી
– અલીબાગના 7.5 કરોડના તથા રત્નાગીરીના 2.6 કરોડનાં રિસોર્ટ સહિત જમીનનો સમાવેશ
મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટર (ઇડી)એ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ પરબની રૃા. ૧૦.૨૦ કરોડની સંપત્તિ અસ્થઆયી રૃપે જપ્ત કરી છે.તેમાં રત્નાગીરી તથા અલીબાગનાં રિસોર્ટસનો સમાવેશ થાય છે. દાપોલીમાં મેજિસ્ટ્રેટ સમક્ષ અનિલ પરબ,મેસર્સ સાઇ રિસોર્ટ,મેસર્સ સી સંખ રિસોર્ટ અને અન્ય સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઇડીએ આર્થિક ગેરવ્યવહાર પ્રતિબંધક કાયદા પીએમએલએ હેઠળ તપાસ શરૃ કરી હતી.રાજ્ય સરકારની છેતરપિંડી અને નુકસાન પહોંચાડવા બદલ અનિલ પરબ અને અન્ય સામે દાપોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતો.
ઇડી દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પરબે રિસોર્ટ સંબંધિત અનેક પરવાનગી મેળવતી વખતે માલિક તરીકેની પોતાની ઓળખ છુપાવી હતી.તેમણે વિભાસ સાઠે નામની વ્યક્તિ પાસેથી પરવાનગી મેળવી હતી.તેમજ ગ્રામપંચાયત અને મહારાષ્ટ્ર સરકાર સાથે છેતરપિંડી કરી હતી.આથી ઇડીએ મુરુડ દાપોલીમાં ૪૨ એકર જમીન અને સાઇ રિસોર્ટની સંપત્તિ જપ્ત કરી છે.આ જમીનની કિંમત બે કરોડ ૭૩ લાખ ૯૧ હજાર અને અલી બાગમાં બનેલી સાઇ રિસોર્ટ એનુએક્સની કિંમત ૭ કરોડ ૪૬ લાખ ૪૭ હજાર રૃપિયા છે.એવી માહિતી ઇડી દ્વારા આપવામાં આવી છે.
અનિલ પરબ મહારાષ્ટ્રમાં પરિવહન અને સંસદીય બાબતોના મંત્રી રહી ચૂક્યા છે.તેમની પાસે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન આ જવાબદારી હતી.તે સમયે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાની સરકાર હતી.અગાઉ ભાજપના એક નેતાના આરોપ પર પરબે કહ્યું હતું કે ‘હું સાચો શિવસૈનિક છું.મેં અમારી પાર્ટીના ભગવાન બાળાસાહેબ ઠાકરે અને મારી બે પુત્રીઓની સૌંગદ લીધા છે.
પરબ સામે મની લોન્ડિંગ ઉપરાંત અન્ય ઘણા આરોપ કરવામાં આવ્યા છે.અગાઉ પર કાર્યવાહી સંબંધમાં ઇડી દ્વારા ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૨૨માં ઇડીએ અનેક વખત પરબ સામે સમન્સ જારી કર્યા હતા.ઇડીની ઓફિસમાં પરબની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.