દેશમાં અનેક રાજ્યોમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન કોમી હિંસાની ઘટનાઓ બની છે.રાજધાની દિલ્હી,કર્ણાટક,આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભીડના હુમલામાં ૧૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે અને તંગદિલી સર્જાઇ છે.કર્ણાટકમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૧૨થી વધુ લોકોને ઇજા થઇ છે.રાજધાની દિલ્હીમાં હનુમાન જયંતિની હિંસામાં ૨૦થી વધુ લોકોની ધરપકડ કરાઇ છે તો બે સગીરને અટકમાં લેવાયા છે.દિલ્હીના જહાંગીરપુરીમાં બનેલી ઘટનામાં આઠ પોલીસકર્મીઓ અને એક વ્યક્તિને ઇજા થઇ હતી.આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના હોલગુંડા ગામમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો બાખડ્યા હતા તેમ પોલીસનું કહેવું છે.ઉત્તરાખંડમાં પણ શોભાયાત્રા દરમિયાન એક જૂથે પથ્થરમારો કર્યો હતો.હરિદ્વાર જિલ્લાના રૂડકી નજીક ભગવાનપુર વિસ્તારમાં એક ગામમાંથી આ યાત્રા પસાર થઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે.કર્ણાટકના જૂના હુબલીમાં શનિવારે રાત્રે ભડકેલી હિંસાના મામલામાં પોલીસકર્મીઓ સહિત ૧૨થી વધુ લોકોને ઇજા પહોંચી હતી અને પોલીસે આ મામલામાં 40 લોકોની ધરપકડ કરી છે.અભિષેક હિરેમથ નામના યુવકે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકી હતી, ત્યારબાદ મુસ્લિમ સમુદાયના અસંખ્ય લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને થોડા સમય પછી વિરોધ પ્રદર્શનોએ હિંસાનું સ્વરુપ ધારણ કર્યું હતું.આ ઘટનામાં એક પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 12 લોકો ઘાયલ થયા હતા.હુબલીના પોલીસ કમિશનર લાભુ રામે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે.સાથે જ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ઓછામાં ઓછા 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.આ ઘટનાની તપાસ ચાલી રહી છે તથા હિંસામાં સામેલ તમામ લોકોની ઓળખ કરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે.પોલીસે જૂના હુબલીમાં કાયદો-વ્યવસ્થા જાળવા રાખવી માટે આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે.
અહીંયા નોંધવું રહ્યું કે, હિરમેથ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કથિત રીતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એક મસ્જિદ પર ભગવા ધ્વજની તસવીર દેખાઈ રહી હતી.આ પોસ્ટ શનિવારે રાત્રે વાયરલ થઈ ગઈ હતી.ત્યારબાદ મુસ્લિમ સમુદાયે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને બાદમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી.બીજી તરફ કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ મીડિયા સાથે વાતચીત દરમિયાન હિંસાની તુલના બેંગલુરુના ડીજે હલ્લી આગચંપી સાથે કરી હતી.

