– જુમાની નમાઝ ચાલતી હતી ત્યારે થયેલાં વિસ્ફોટમાં ૧૫ને ઈજા
– તાલિબાને ઈદને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શસ્ત્રવિરામની જાહેરાત કરી હતી એટલે હુમલો આઈએસના આતંકીઓએ કર્યાની શક્યતા
કાબુલ, તા. ૧૪ : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો હતો.એમાં મસ્જિદના ઈમામ સહિત ૧૨નાં મોત થયા હતા અને ૧૫ને ઈજા પહોંચી હતી.આતંકવાદી હુમલો આઈએસના આતંકવાદીઓએ કર્યો હોવાની શક્યતા છે.શુક્રવારની નમાઝ ચાલતી હતી એ વખતે હુમલો થયો હતો.
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મસ્જિદમાં જુમાની નમાઝ વખતે મોટો વિસ્ફોટ થયો હતો.હુમલો સંભવતઃ આઈએસના આતંકવાદીઓએ શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવીને કર્યો હતો.તાલિબાન અને અફઘાન સરકારે ઈદને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શસ્ત્રવિરામની જાહેરાત કરી હતી.એના કારણે આ હુમલો તાલિબાને કર્યો હોવાની શક્યતા નથી.કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન આઈએસના આતંકવાદીઓએ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને મસ્જિદમાં હુમલો કર્યો હતો.તાલિબાની આતંકવાદી સંગઠનના પ્રવક્તાએ તો હુમલો ન કર્યાનું નિવેદન પણ આપ્યંન હતું.આ હુમલામાં મસ્જિદના ઈમામ મુફ્તિ નઈમતનું પણ મૃત્યુ થયું હતું.
કુલ ૧૨ લોકોનાં મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ૧૫ ઈજાગ્રસ્ત બન્યા હતા. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો લઘુમતીમાં હોવાથી વારંવાર કટ્ટરવાદી સુન્ની સંગઠનોના હુમલાનો ભોગ બને છે.થોડા દિવસ પહેલાં એક સ્કૂલમાં હુમલો થયો હતો, જેમાં સ્કૂલગર્લ્સ સહિત ૮૦નાં મોત થયા હતા.એમાંથી મોટા ભાગના લઘુમતી શિયા મુસ્લિમો હતા.


