– કારી ફતેહને UNSC મોનિટરિંગ ટીમ દ્વારા મે 2022માં ISKPના લશ્કરી ચીફ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો
કાબુલ, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : અફઘાનિસ્તાનના શાસક તાલિબાને ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રાંત (ISKP) પર મોટી કાર્યવાહી કરી છે.તાલિબાને ISKPના મિનિસ્ટ્રી ઓફ વોરઅને મિલિટ્રી ચીફકારી ફતેહને ઠાર કર્યો છે.કારી ફતેહને UNSC મોનિટરિંગ ટીમ દ્વારા મે 2022માં ISKPના લશ્કરી ચીફ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે, કારી ફતેહ સોમવારે કાબુલમાં એક ઓપરેશનમાં માર્યો ગયો છે.આ સાથે તાલિબાનના પ્રવક્તાએ ઈસ્લામિક સ્ટેટ હિંદ પ્રાંત (ISHP)ના એજાઝ અહમદ અહંગર સાથે અન્ય બે સહયોગીઓના મોતની પણ પુષ્ટિ કરી છે.કારી ફતેહ ISKP માટે રણનીતિ બનાવતો હતો. તેણે હાલમાં જ કાબુલમાં રશિયા,પાકિસ્તાન અને ચીનના દૂતાવાસ પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું.નંગરહારમાં ISKPના નિયંત્રણ દરમિયાન કારી તુફૈલ ઉર્ફે ફતેહ પૂર્વીય ક્ષેત્રનો કમાન્ડર હતો.જો કે, તાજેતરના સમયમાં જૂથે પોતાની રણનીતિ બદલી અને તેને ગુપ્તચર પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.
તાલિબાન સરકારની આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે યુએનના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાક અને ખોરાસાનમાં ઈસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં ભારત,ચીન અને ઈરાનના દૂતાવાસો પર આતંકવાદી હુમલાની ધમકી આપી છે.યુએનનો દાવો છે કે ISIL-K પાસે 1000-3000 લડવૈયાઓ છે.આમાંથી લગભગ 200 મધ્ય એશિયામાં છે. જો કે, કેટલાક દેશો માને છે કે આ સંખ્યા 6000 સુધી છે.
યુએનના રિપોર્ટમાં ISIL દ્વારા ઊભા થયેલા ખતરાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.તેમાં જણાવવામાં આવ્યું હતું કે ISIL આતંકવાદી જૂથે તેની પ્રવૃત્તિઓને વધુ ફેલાવવાની ઇચ્છા ચાલુ રાખી છે. ISIL-K એ પોતાની જાતને તાલિબાનના પ્રાથમિક હરીફ તરીકે સ્થાપિત કરી છે અને હવે તે દર્શાવવા માંગે છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા છે.આવી સ્થિતિમાં રાજદ્વારી મિશનને નિશાન બનાવીને IS તાલિબાન સાથે અન્ય દેશોના સંબંધો ખતમ કરવા માંગે છે.