- આગામી થોડા કલાકોમાં હૂતી યુએઈ પર સૈન્ય ઓપરેશન્સ ચલાવશે- હૂતી પ્રવક્તાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કરાયો
નવી દિલ્હી,તા.17 જાન્યુઆરી,સોમવાર : સંયુક્ત આરબ અમીરાત પર એક મોટા હુમલાની ઘટના સામે આવી છે.અધિકારીઓના કહેવા પ્રમાણે અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે 2 વિસ્ફોટો થયા હતા.આ હુમલા ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વિસ્ફોટો બાદ એરપોર્ટમાં આગ લાગેલી જોવા મળી હતી.યુએઈ આ મામલે તપાસ શરૂ કરે તે પહેલા જ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે.આ સંગઠને નિવેદન બહાર પાડીને યુએઈ પર હુમલા શરૂ કર્યાનું જણાવ્યું હતું.
યુએઈના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે એરપોર્ટ પર આ વિસ્ફોટો અબુધાબી નેશનલ ઓઈલ કંપની ના પેટ્રોલ લઈને જઈ રહેલા ટેન્કર્સમાં થયા હતા.પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે,ટેન્કર્સમાં આગ લાગી તે પહેલા આકાશમાં ડ્રોન જેવી આકૃતિ જોવા મળી હતી જે બે અલગ-અલગ વિસ્તારોમાં પડી.એરપોર્ટ પર લાગેલી આગને કાબૂમાં લેવા માટે પોલીસ અને અધિકારીઓની ટીમને મોકલી દેવામાં આવી હતી.
હૂતીઓના પ્રવક્તા યાહ્યા સારી સાથે સંકળાયેલા એક ટ્વિટર એકાઉન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,આગામી થોડા કલાકોમાં હૂતી યુએઈ પર સૈન્ય ઓપરેશન્સ ચલાવશે.ઉલ્લેખનીય છે કે,સંયુક્ત આરબ અમીરાત ઘણાં લાંબા સમયથી યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધનો હિસ્સો બન્યું છે.યુએઈએ 2015માં અરબ ગઠબંધનનો હિસ્સો બનીને યમનમાં સરકાર બદલવાની માગણી કરી રહેલા હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે 2019 બાદ યમનમાં યુએઈની ગતિવિધિઓ ઘટી છે.
સાઉદીના એરપોર્ટને નિશાન બનાવી ચુક્યું છે હૂતી : હૂતી વિદ્રોહીઓએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણી સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો કરી દીધો હતો.તેના કારણે એક પેસેન્જર વિમાનમાં આગ લાગી ગઈ હતી.તે સિવાય ઓગષ્ટ 2021માં પણ હૂતીઓએ સાઉદીના વધુ એક એરપોર્ટને ટાર્ગેટ કર્યું હતું. હૂતી વિદ્રોહીઓ અગાઉ પણ સાઉદીના વિમાન મથકોને ટાર્ગેટ બનાવી ચુક્યા છે.પરંતુ યુએઈના કોઈ એરપોર્ટ પર હૂતીઓના મોટા હુમલાની આ પહેલી ઘટના છે.