મુંબઈ, તા. 25 મે 2022,બુધવાર : છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલ્મોને લીધે નહીં પરંતુ ચિત્રવિચિત્ર નિવેદનોના કારણે વધુ વિવાદમાં રહેતા ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્મા એક કાનૂની કેસમાં ફસાયા છે.તેમણે એક તેલુગુ ફિલ્મ કંપની સાથે 56 લાખની છેંતરપિંડી કરી હોવાની એફઆઈઆર દાખલ થઈ છે.રામ ગોપાલ વર્માએ પોતે જેના પ્રોડ્યૂસર જ ન હતા એવી ફિલ્મના નામે પૈસા લઈ લીધા હોવાનો આરોપ લાગ્યો છે.
મિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રામ ગોપાલ વર્માએ દિશા નામની ફિલ્મ બનાવવા માટે 2020માં ટૂકડે ટૂકડે 56 લાખ રૂપિયા શેખર આર્ટ ક્રિએશન્સ કંપનીના કોપ્પાડા શેખર રાજુ પાસેથી લીધા હતા.રામ ગોપાલ વર્મા અને કોપ્પાડા શેખર વચ્ચે એક કોમન મિત્ર દ્વારા ઓળખાણ થઈ હતી.આથી તેમણે ભરોસો મુકી રામ ગોપાલ વર્માએ માગ્યા એટલી વાર એટલા પૈસા આપ્યા હતા.રામ ગોપાલે વાયદો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયા બાદ પોતે આ તમામ પૈસા પાછા આપી દેશે.
જોકે, એ પછી કોપ્પાડાને જાણ થઈ હતી કે વાસ્તવમાં રામ ગોપાલ વર્મા આ ફિલ્મના પ્રોડ્યૂસર છે જ નહીં.આથી, તેમણે પોતાના પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી.પરંતુ, રામ ગોપાલ વર્મા તરફથી કોઈ દાદ મળી ન હતી.છેવટે તેમણે પોતાના બાકી પૈસા માટે કોર્ટનો આશરો લીધો હતો.કોર્ટના આદેશને પગલે પોલીસે રામ ગોપાલ વર્મા સામે આઈપીસી 406, 417 અને 420 મુજબ ફરિયાદ દાખલ કરી છે.
હૈદરાબાદમાં એક વેટરનરી ડોક્ટર યુવતીનું હાઈવે પરથી અપહરણ કરી હત્યા અને બળાત્કારની ઘટના બની હતી.બળાત્કાર ગુજારનારા આરોપીઓનું બાદમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ઘટના પરથી દિશા નામની ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ હતી.