વાપી નજીકના છીરી ગામે રણછોડનગરમાં શાકભાજીની દુકાન ઉપર આવેલા અભિષેક બચ્ચન સહિત ત્રણ ઈસમો દારૂ પીને આવતા તેને દુકાનથી દૂર જવા કહેતા ઉશ્કેરાઈને આ ત્રણ પીધ્ધડોએ નાળિયેર કાપવાના છરાથી મહિલા ઉપર હુમલો કરવા જતા તેનો દિયર વચ્ચે આવી જતા તેને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.
છીરી ગામે રણછોડનગર ખાતે આવેલ પૂજાદેવી સંજીવ શશિભૂષણ ઉપર રાત્રીના 8 કલાકના સુમારે ત્રણ ઈસમો નામે જય કાલિયા,રામુ તથા અભિષેક ઉર્ફે બચ્ચન (તમામ રહે. છીરી) આવ્યા હતા અને દુકાનમાંથી વટાણા લઈને ખાવા લાગ્યા હતા.તેઓ દારૂના નશામાં હોઇ દુકાન પાસેથી હટી જવા જણાવતા ઉશ્કેરાઈને બોલચાલી કરવા લાગેલ તેથી પૂજાદેવીનો દિયર સુનેશ્વરસિંગ ત્યાં આવી અને ત્રણેય ઈસમને દુકાન પાસેથી દૂર જવા કહેતા આ ત્રણેય ઈસમે ‘તું કોણ અમને કહેવાવાળો છે’ કહીને દુકાનમાં રાખેલ નાળિયેર કાપવાનો છરો જય કાલિયાએ ઉપાડી લઈ હુમલો કરતા દિયર સુનેશ્વર વચ્ચે પડતા તેના ડાબા હાથમાં છરાનો ઘા પડતા ગંભીર ઈજા પહોંચાડી હતી,એટલું જ નહી ત્રણેય ઈસમોએ પૂજાદેવી તથા સુનેશ્વરને ઢીકમુક્કીનો માર પણ માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ ત્રણેય હુમલાખોરો નાસી છૂટયા હતા.
આ મામલે પૂજાદેવી સંજીવ શશિભૂષણે ડુંગરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે આઈપીસી 323, 324, 504, 506 (2), 114 તથા જીપીએ એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.