અનેક વિસ્તારોમાં પડ્યો ૪ ઇંચથી વધુ વરસાદ,અનેક જગ્યાએ અન્ડરપાસ બંધ થતાં વાહનવ્યવહારને પણ થઈ અસર ચોમાસાની આ સીઝનમાં ગઈ કાલે અમદાવાદમાં મેઘો મુશળધાર રીતે અનરાધાર વરસ્યો હતો.પહેલા જ વરસાદમાં અમદાવાદ જાણે કે જળબંબોળ થઈને પલળી ગયું હતું.તેમાં પણ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં સાંબેલાધાર નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો.શહેરમાં ભારે વરસાદથી કંઈકેટલાય વિસ્તારો જળમગ્ન થયા હતા અને સામાન્ય જનજીવન છિન્નભિન્ન થયું હતું.
ગઈ કાલે અમદાવાદમાં સવારથી ધીમે ધીમે વરસાદ વરસી હતો,પરંતુ બપોર પડતાં જ જાણે કે વરસાદે રૌદ્ર સ્વરૂપ લીધું હોય તેમ ધોધમાર વરસ્યો હતો.સીઝનના પહેલા જ વરસાદમાં ખાસ કરીને બપોરે બેથી ચાર વાગ્યાના બે કલાકમાં મુશળધાર વરસાદ પડતાં અમદાવાદ લથબથ થઈ ગયું હતું.જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલાં દેખાતાં હતાં.શહેરમાં સરેરાશ ૮૭ મી.મી.એટલે કે સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો,પણ અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં જળબંબોળની સ્થિતિ થઈ હતી.શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં ૨૨૮ મી.મી.એટલે કે કુલ નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
ઉસ્માનપુરામાં ૨૨૮ મી.મી.,ચકુડિયામાં ૧૪૨ મી.મી.એટલે કે છ ઇંચ જેટલો,વિરાટનગરમાં ૧૩૫ મી.મી.એટલે કે સવાપાંચ ઇંચથી વધુ,મેમ્કોમાં ૧૧૮.૫૦ મી.મી. એટલે કે સાડાચાર ઇંચ,ઓઢવમાં ૧૧૭.૫૦ મી.મી.એટલે કે સાડાચાર ઇંચ અને દૂધેશ્વર વિસ્તારમાં ૧૦૨ મી.મી.એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


