અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થઇ શકે છે.ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગીને લઇને કવાયત શરૂ કરી દીધી છે.ત્યારે ભાજપના અમદાવાદમાં સોમવારે મીડીયા સેલની એક બેઠક મળી હતી.સોશિયલ મીડિયા સેલની બેઠક બાદ પૂર્વ મેયર બીજલ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.તેમને જણાવ્યું હતું કે,ચૂંટણીની તારીખ ભાજપનું સંગઠન નક્કી કરશે છે.પૂર્વ મેયર બીજલ પટેલના આ નિવેદનને લઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.આ નિવેદન આપ્યા બાદ તેમને નિવેદન સુધારવા માટેના મથામણ કરી હતી.
આ ઉપરાંત પૂર્વ મેયર બીજલ પટેલ સોશિયલ મીડિયા સેલની બેઠકમાં ઉપસ્થિત રહેલા આગેવાનો અને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે,મીડિયા સેલમાં આવવાથી એવું માની ન લેવું કે,આપણી કોર્પોરેટર તરીકેની ટિકિટની દાવેદારી જશે.મહત્ત્વની વાત છે કે, અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ અવાર નવાર વિવાદિત નિવેદન ચૂક્યા છે.અગાઉ જ્યારે અમદાવાદમાં કેમિકલ કંપનીમાં આગની ઘટના બની તે સમયે પણ મેયર બીજલ પટેલે આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી હતી.
મેયરને જ્યારે મીડિયાકર્મીએ ચૂંટણીની તારીખ બાબતે પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે.ત્યારે અમદાવાદના નાગરીકોને જાગૃત કરવા માટે મીડિયા સેલની એક બેઠક યોજાઈ હતી. 21 જાન્યુઆરી સુધીમાં મહાનગરપાલિકા અને જિલ્લાઓ સહિત તમામ વોર્ડ સુધી અલગ-અલગ કાર્યકર્તાઓને પદો આપીને નાગરીકો સુધી પહોંચવામાં સફળતા મળશે.ચૂંટણી બાબતે સંગઠનમાં મોવળી મંડળમાં વાતચીત ચાલુ છે.ટૂંક સમયમાં અમને જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ક્યારે યોજવી અને કેટલી બેઠકો પર યોજવી તે બાબતે તમામ વિચારણા ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવતી હોય છે.પણ અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે ભાજપનું સંગઠન ચૂંટણીની તારીખ નક્કી કરશે તે નિવેદન કરતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે.આ ઉપરાંત ટિકિટની દાવેદારીને લઈને આપેલા નિવેદનમાં આડકતરી રીતે પોતાની ટિકિટની દાવેદારી નક્કી હોય તેવો ઈશારો કર્યો હતો.


