અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.સરેરાસ પ્રતિદિન 300 કરતા વધુ કેસ ગુજરાતમાં નોંધાય છે.સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે.અમદાવાદમાં કોરોનાના કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દિવસ-રાત એક કરીને કામગીરી કરી રહ્યું છે.તો બીજી તરફ હવે નગરસેવકો અને જનતાના પ્રતિનિધિઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.અમદાવાદમાં વધુ એક જનતાના પ્રતીનિધિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.અમદાવાદ ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર શરૂ થયા બાદ તેમની હાલત સુધારા પર છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલને છેલ્લા બે દિવસથી તાવ અને શરદી થતા કોરોનાના લક્ષણો દેખાયા હોવાના કારણે તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.બે દિવસ બાદ જગદીશ પંચાલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેથી તેઓને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.હોસ્પિટલમાં ભાજપના ધારસભ્યની સારવાર શરૂ થતા તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.બીજી તરફ તંત્ર દ્વારા ભાજપના ધારાસભ્યના સંપર્કમાં આવેલા લોકોનાં પણ કોરોનાના ટેસ્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવતા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેટલાક અધિકારીઓ સેલ્ફ કવોરેન્ટાઈન થયા હતા.ઇમરાન ખેડાવાલાનો SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આ ઉપરાંત અમદાવાદમાં કોરોનાના કારણે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


