અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : મ્યુનિ.ની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં અમદાવાદના ૨૪ સ્મશાનોની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખની રકમનો ખર્ચ કરવા માટેની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.સ્મશાનની નાની જગ્યા સાફ કરવા પાછળ દર મહિને પચાસ હજારનો ખર્ચ કરવામાં આવશે.૨૪ સ્મશાનની સફાઈ પાછળ વર્ષે ૩ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાશે.
શહેરમાં વાડજ,ચાંદખેડા,એલિસબ્રીજ ઉપરાંત વાસણા અને સાબરમતી સ્મશાનગૃહ પશ્ચિમ ઝોનમાં આવેલા છે.સરખેજ અને વેજલપુર સ્મશાન દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતા,થલતેજ સ્મશાન ઉપરાંત મધ્યઝોનમાં દૂધેશ્વર ઉપરાંત દક્ષિણ ઝોનમાં ખોખરા,વટવા અને ઈસનપુર,સપ્ત ઋષિ અને નારોલ સ્મશાનગૃહ આવેલા છે.ઉત્તરઝોનમાં ચામુંડા ઉપરાંત નરોડા,નરોડા-મુઠીયા તથા પૂર્વઝોનમાં વસ્ત્રાલ,ઓઢવ,રામોલ તેમજ રખિયાલ અને ઠકકરનગર એમ કુલ ૨૪ સ્મશાનગૃહોની સફાઈ માટે મંજુર કરાયેલી દરખાસ્તમાં ૮૫થી વધુ કર્મચારીઓ સફાઈ માટે મુકવાની વાત કરવામાં આવી છે.જે કર્મચારીઓને સફાઈકામ માટે મુકવામાં આવશે એમને સરકારે નકકી કરેલા લઘુત્તમ વેતન જેટલી રકમ પણ ના મળે એવી જોગવાઈ ટેન્ડરની રકમ ઉપરથી જોવા મળી શકે છે.ઉપરાંત જેમને કામગીરી સોંપવામાં આવી છે એ કલીન ઈન્ડિયા સંસ્થાને બીજા વર્ષે દસ ટકા ભાવ વધારો આપવાની જોગવાઈ પણ ઠરાવમાં કરવા સાથે કુલ ત્રણ કરોડ સાત લાખથી વધુની રકમથી કામ આપવા મંજુરી અપાઈ છે..